પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પ્રકરણ ૧૧મું

વે નથુ અને તેની સ્ત્રી જોઈ શક્યાં કે તેમણે કેવા મનુષ્યને પોતાના ઘરમાં રાખ્યો હતો. અને કેવા મનુષ્યની સાથે તેઓ રહેતાં હતાં. થોડો વખત થયા પછી જ દેવદૂતે કહ્યું:- “હું તે ગલીમાં દેવળ પાસે નગ્નાવસ્થામાં પડ્યો હતો. સંસારમાં મનુષ્ય પ્રાણીઓને શેની શેની જરૂર છે ? દરિદ્રતા અને ભૂખ, ઠંડી અને ગરમી એ શું છે? તે અને ટુંકામાં મનુષ્ય પ્રાણીને શું શું આવશ્યકતા છે તેની મને કંઈજ સમજણ નહોતી. અને તમારી સાથે રહ્યાથી હવે હું મનુષ્ય થયો છું. દેવળ નજીક હું અત્યંત ઠંડીથી અકળાઇ ગયો હતો. પરંતુ મને ખબર નહોતી કે મારે શું કરવું ? હું દેવળમાં જવાનો ઇરાદો રાખતો હતો. પરંતુ દરવાજાને તાળું હોવાથી હું અંદર જઈ શક્યો નહિ. તેથી હું આખરે દેવળની ભીંતની નજીક બેસી ગયો.

“સાંજ પડી ગઈ અને મને ઠંડી તથા ભૂખ લાગવા માંડી. એવામાં એકાએક મેં રસ્તાની બાજુએ એક માણસને આવતાં જોયો. તે આપજ હતા. હું પૃથ્વી પર મનુષ્ય થઇને પડ્યા પછી કોઈપણ માણસને મેં પ્રથમ જોયા હોય તો તે આપજ હતા. પ્રથમ તો આપનો ચહેરો જોઇ મને અત્યંત ભય ઉત્પન્ન થયો અને હું પાછળ ફરીને બેઠો. આપ આપની સાથેજ વાત કરતા હતા કે આવી સખત ઠંડીમાંથી કેવી રીતે બચવું, સ્ત્રી અને છોકરાંઓ સારૂ ખાવાનું કેવી રીતે મેળવવું ? આ સર્વે હું સાંભળતો હતો, અને મેં વિચાર્યું કે હું પણ ઠંડી અને ભૂખથી અત્યંત પીડાઉં છું. આપે મને જોયો અને આપને ધાસ્તી ઉતપન્ન થઈ; ને થોડી વાર વિચાર કરી આપે ચાલવા માંડ્યુ. આ જોઈ હું અત્યંત નિરાશ થઈ ગયો.