લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મેઃ–એ તો હું કબુલ કરીશ.

સોઃ-ત્યારે તમે એમ કહેશો કે કોઈ કોઈ માણસ પોતાની મેળે પોતાનું બુરું કરવા ઇચ્છે છે ?

મેઃ-એ તો મારાથી નહિં કહેવાય.

સોઃ–ત્યારે હવે કહો કે હું જુવાનીઆઓને જાણી જોઈને બગાડું છું કે અજાણે ?

મેઃ–હું કહું છું કે તમે તેઓને જાણી જોઈને બગાડો છો.

સો:-એમ તમારાથી કેમ કહી શકાય ? તમે જુવાન છો. હું બુઢ્ઢો છું. તમે માને છો કે હું એટલું ન સમજી શકું કે જો હું બીજાઓને બગાડું તો હું પણ વધારે બગડું ? આવું તમે તો ઉપર કબુલ કરી ગયા છો. કેમકે આપણે જોયું કે નઠારાની સોબત કરનાર નઠારા બને. આમ હું નુકશાન પામવા ઇચ્છું છું એમ કોઈ માનશે નહિ. અને જો આ મારી દલીલ ખરી હોય તો પછી દેખીતી રીતે બગાડવાનો આરો૫ ઉડી જાય છે. હવે એમ કહો કે હું અજાણે બગાડું છું. એમ હોય તો તમારી ફરજ મને શીખવવાની હતી. તમે તો મને સુધારવાનો પ્રયત્ન પણ નથી કર્યો. મારી પાસે પણ તમે નથી આવ્યા. મને તો તમે સજા કરવાને ખાતર એકદમ ખડો કર્યો છે. આ રીતે મેલીટસે કર્યું છે તે બતાવે છે કે તેણે કોઈ દીવસ ઉંડી બાબતો પર વિચાર કર્યો નથી. હવે હું કેવી રીતે જુવાનીઆઓને બગાડું છું તેની તપાસ કરીએ. મેલીટસ ! તમે એમ કહો છો કે આપણું શહેર જે દેવતાઓને માને છે તેને નહિ માનવાનું તેઓને શિખવીને હું બગાડું છું ?

મેઃ–હું બેશક એમજ કહું છું.

૧૦