પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


સજા કરવાનો તમે ઠરાવ કર્યો હતો. બધા સભાસદોમાં હું તે વાતની સામે થયો. તે વખતે મને બધા મારી નાખવા તૈયાર થયા. પણ હું મારી નેમમાં ચુસ્ત રહ્યો, મને લાગ્યું કે તમારા અન્યાયી કામમાં મારે સામેલ થવું તેના કરતાં મારે મ્હોત અથવા કેદ ભોગવવાં એ સારું હતું. જ્યારે આમ સત્તા ભોગવાતી હતી ત્યારે ઉપરનો કીસ્સો બન્યો.

વળી જ્યારે આમનું (પ્રજાનું) રાજ્ય બદલીને અમુક માણસોનું (રાજ્ય) આ શહેરમાં થયું ત્યારે લીસન નામના માણસને મ્હોતની સજા ભોગવવાને પકડી લાવવાનો હૂકમ કહાડવામાં આવ્યો હતો. મને પણ તે હુકમ મળ્યો. હું જાણતો હતો કે લીસનની ઉપર મ્હોતની સજા હતી તે ગેરવ્યાજબી હતી. જો હું તેને પકડવા ન જાઉં તો મારું મ્હોત થાય તેમ હતું. મ્હેં મારા મ્હોતની દરકાર ન કરી. લીસનને પકડવા હું નહિ ગયો. અને જે દરમીઆનમાં તે રાજ્ય તૂટી નહિ પડ્યું હોત તો મારૂં મ્હોત ખચીત આવત.

હવે તમે જોઈ શકો છો કે જે હું રાજ્યકારભારના કામમાં લાંબો વખત રહ્યો હોત અને ન્યાયબુદ્ધિને વળગી રહ્યો હોત (ન્યાય એ તો મારૂં જીવતર એટલે બીજું મારાથી થાત નહિ) તો હું આટલા વરસ જીવ્યો ન હોત. મારી આખી જીંદગીમાં મ્હેં કોઈને અન્યાય કર્યો નથી, મ્હેં ન્યાયની વિરૂદ્ધ પગલું ખાનગી જીદગીમાં કે જાહેર જીંદગીમાં ભર્યું નથી. મ્હેં શિક્ષકનો ડોળ ઘાલ્યો નથી, પણ મારી પાસેથી કોઈ કાંઈ જાણવાને આવેલ હોય તો તેને મ્હેં જવાબ દેવાની ના પણ પાડી નથી. વળી હું ગરીબ અને તવંગર બધાને મારી તાકીદ મુજબ એકસરખી રીતે જવાબ આપુ છું. તેમ છતાં

કોઈને મારા બોલવા ઉપરથી સારી માણસાઈ ન આવી હોય

૧૮