પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વળી આબરૂ ગેરુઆબરૂનો સવાલ છોડી દેતાં પણ મને લાગે છે કે તહોમતદારનું કામ દયા માંગવાનું નથી. તેનું કામ ઈન્સાફ માંગવાનું છે ને તે માંગવા સારૂ તેણે હકીકત રજુ કરી તેની ઉપર દલીલ કરવાની છે. ન્યાયાધીશનું કામ મહેરબાની દેખાડવાનું નથી પણ પક્ષપાત કર્યા વિના ન્યાય તોળવાનું છે. એટલે અમને અને તમને બન્નેને લાજમ છે કે અમારા અને તમારા સોગનમાં ખલેલ પહોંચે તેવું કામ નહીં કરવું.

તમારી આગળ કરગરીને તમારા સોગન તોડાવવાની કોશિશ કરૂં તો મેલીટસ ખુદાને નહીં માનવાનો જે આરોપ મારી પર મુકે છે તે સાબિત થયા બરાબર ગણાય. જે માણસ ખુદાને માને છે તે માણસ પારકાના સોગન તોડાવે તો તે ખુદાની સામે થયો ગણાય એટલે તે ખુદાને નથી માનતો એમ કહેવાય. પણ હું તો તમે કોઈ નહીં માનતા હો તેટલી દ્રઢતાથી ખુદાને માનુ છું, એટલે હું તેની ઉપર ભરોસો રાખીને મારે વિષે જે સાચું હોય તે કરવાનું તમારા હાથમાં બેધડક થઈ મૂકું છું.

(અહીં સોકરેટીસે પોતાના બચાવનું ભાષણ પુરૂં કર્યું. તેને બહુ મતે ગુન્હેગાર ઠરાવવામાં આવ્યો. પછી સોકરેટીસે પેાતાની ઉ૫ર શી સજા થવી જોઈએ તે વિષે પોતાનું ભાષણ શરૂ કર્યું.)

મને તમે ગુન્હેગાર ઠરાવ્યો છે તેથી હું દુઃખ નથી પામતો. વળી તમારો ઠરાવ અણધાર્યો નથી. મને આશ્ચર્ય એ થાય છે કે મારી તરફેણમાં મત આપનારા એટલા બધા નીકળ્યા ! હું માનતો હતો કે મારી સામેના મત બહુ વધી પડશે, તેને બદલે હું થોડાજ જોઉં છું. જો બીજા ત્રણ જણ મારી તરફેણમાં

મત આપતે તો હું છૂટી જાત. વળી હું જોઉ છું કે મારી

૨૧