કદાચ કોઈ કહે કે હવે મ્હારે મુંગે મ્હોડે એકાંતમાં બેસવું જોઈએ. એ પણ મારાથી બનનાર નથી. હું માનું છું કે મને ખુદાનું ફરમાન છે કે જેને હું સદ્ગુણ માનું છું તે વિષે મારે લોકોની આગળ વિવેચન કરવું. વળી મને ફરમાન છે કે નીતિના નિયમો હમેશાં શોધવા. આ તમે ન સમજી શકો એમ હું ધારૂં છું. પણ તેથી મારાથી કાંઈ ચુપ રહેવાય નહીં.
(ત્યારબાદ કોર્ટે સોકરેટીસને દેહાંતદંડની સજા કરી, તે ઉપર મહાન સોકરેટીસ બેધડક થઈ તેજ વેળા નીચે પ્રમાણે બોલ્યા.)
નહીં તોપણ મારે થોડાજ વખત હવે જીવવાનું હતું. તેટલી ટુંદી મુદતને સારૂ તમે નિર્દોષ માણસને મ્હોતની સજા કરી આપયશના ધણી થયા છો. તમે થોડી મુદ્દત થોભ્યા હોત તો મારૂં મ્હોત પોતાની મેળે જ આવત. કેમ કે હું બહુ ઘરડો થયો છું. મ્હેં તમારી આગળ હલકી જાતની દલીલો વાપરી હોત ને સાધારણ ઈલાજો લીધા હોત તો હું મ્હોતની સજાથી રહિત થાત. પણ તે મારો ધર્મ ન હતો. હું માનું છું કે અાઝાદ (સ્વતંત્ર) માણસ મ્હોતના કે એવા બીજા ભયથી છુટા રહેવાને કદી અણઘટતું કામ નહીં કરે. મ્હોતથી બચવાને ગમે તેવા ઈલાજો લેવા એ માણસનું કર્તવ્ય નથી. લડાઈમાં માણસ હથિયા૨ છોડીને શત્રુને શરણે જાય તો બચે છે. પણ તેને આપણે હિચકારો ગણીએ છીએ. તેમજ જે માણસ મ્હોતમાંથી બચવાને અનીતિના ઉપાય લે તે નીચ ગણાય. હું માનું છું કે નીચપણામાંથી બચવું એ મ્હોતમાંથી બચવાના કરતાં વધારે મુશ્કેલ છે. કેમ કે નીચપણું તે મ્હોતના કરતાં વધારે ઝપાટાથી દોડે છે. તમે ઉતાવળા ને ઉછાંછળા છો તેથી
તમે વગર વિચારે ઝડપથી દોડતી અનીતિનું પગલું ભર્યું છે.