પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


તમે મને મ્હોતની સજા કરી છે. હું હવે આ દુનિઆ છોડીશ. મારા સામા પક્ષે સત્ય છોડ્યું ગણાશે ને તેઓ અન્યાયના ધણી થયા કહેવાશે. મારી સજા હું ભોગવીશ. તેમને તેમની કરણીની સજા ભોગવવી પડશે. આમ જ થયા કરે છે. તેમાંયે ઠીકજ હશે.

હવે મારે મરતાં પહેલાં બે વચન તમને કહેવાના છે. મારી પાછળ તમને વધારે અડચણ છે એમ માનું છું. મને દૂ૨ કરી તમે અનીતિનાં પગલાં ભરી શકશો જ એમ માનવાનું નથી. તમને કોઈ ઠપકો નહિ આપે એવું ન સમજશો. મને મરવાની જગાએ લઈ જાય તે પહેલાં જેઓને મારા વચન ઉપ૨ વિશ્વાસ છે તેઓને હું બે શબ્દો કહીશ. એટલે જેને મારા બોલ સાંભળવા હોય તેએા થોભજો. મ્હોતનો શો અર્થ છે તે હું જેવો સમજુ છું તેવો તમને કહેવા માગું છું. મારી ઉપર જે બનવાનું છે તે સારૂં છે એમ માનજો. જેએા મ્હોતને દુઃખરૂપ માને છે તેઓ ભૂલ કરે છે. મ્હોતનાં બે પરિણામ આવી શકે. એક તો એક માણસ મરી ગયા પછી તેનો કંઈ ભાગ રહેતો નથી ને તેનું ચેતન પણ નાશ પામે છે. અથવા તો અરવા ( આત્મા ) એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે. હવે જો પહેલું પરિણામ ખરૂં હોય ને ચેતન માત્રનો નાશ થતો હોય તો એ તો એક મહાનિદ્રા જેવું થયું. નિદ્રાને-ઉંધને સુખરૂપ આપણે માનીએ છીએ. ત્યારે મ્હોત જે મોટી નિદ્રા છે તે વધારે સુખરૂપ હોવી જોઈએ. હવે જો એમ માનીએ કે મ્હોતથી જીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, ત્યારે તો જ્યાં મારી પૂર્વે જેઓ મરીને ગયા ત્યાં જ મારે જવાનું થશે. તેઓની સંગતિમાં મને શુદ્ધ ન્યાય મળશે.

આમાં શું ખોટું ગણવું? જ્યાં હોમર ગયેલ છે, જ્યાં બીજા

ર૪