લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મહાત્માઓ ગયા છે તે સ્થાને મારે જવાનું થાય તો હું મોટો ભાગ્યશાળી ગણાઈશ. જે ઠેકાણે અયોગ્ય રીતે સજા પામેલા જીવો પહોંચ્યા છે ત્યાં મારે પહોંચવું તેમાં હું માન સમજું છું.

એટલું તો તમારે ચોકસ યાદ રાખવાનું છે કે નીતિવાન માણસને જીવતાં કે મરતાં દુઃખ હોય જ નહિ. તેવા માણસને ખુદા છોડતો જ નથી. સત્યવાન સદાય સુખી જાણવો. તેથી મારે આજે મરવું ને શરીરની જંજાળમાંથી છુટવું તેમાં મને કંઈજ દુ:ખ નથી. તેથી મને સજા ક૨ના૨ ત૨ફ કે મારાપર આરોપ મુકનાર તરફ મને કશો ગુસ્સો નથી. તેએાએ મારૂં બુરૂં ઇચ્છયું હોય તો તેએા ઠપકાને પાત્ર છે. પણ મારી ઉપર તેએાની ઇચ્છાનું બુરૂં પરિણામ નથી આવી શકતું.

હવે મારી છેલ્લી માગણી એ છે કે જ્યારે મારાં છોકરાઓ ઉંમર લાયક થાય ત્યારે જો તેઓ નીતિનો માર્ગ છોડે અને સદ્ગુણ કરતાં દોલત અથવા બીજી વસ્તુ વધારે વહાલી ગણે, ને જો તેઓમાં કંઈ નહિ હોવા છતાં પોતાને મ્હોટા માને તો જેમ મેં તમને આવાં કા૨ણોને સારૂ ઠપકો દીધો છે ને ચેતવ્યા છે તેમ તમે તેઓને સજા કરજો. એ પ્રમાણે કરશો તો મારી ઉપર અને મારા છોકરાં ઉપર તમે હાથ શખ્યો એમ હું ગણીશ.

હવે જવાનો વખત થયો છે - મારે મરવાનો તથા તમારે આ દુનિઆમાં રહેવાનો. પણ બેમાંથી કોની સ્થિતિ વધારે સારી ગણવી તે તો માત્ર ખુદા-ઇશ્વર જ કહી શકે.


૨૫