પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


અવકાશ જ રહેતો નથી; કારણ કે એવી સમાજરચનામાં સરકારી સંસ્થા ન્યાયની દૃષ્ટિએ જ અયોગ્ય ઠરે. અાથી કુટુંબ અથવા શાળા પણ કેવળ પ્રેમના ધોરણે જ ચાલવાં જોઈએ એમ તેમનું કહેવું છે. પવિત્ર આચરણ અને પ્રેમમય અંત:કરણ એ બે વસ્તુથી જેટલાં નૈતિક બંધન ઉપસ્થિત થતાં હોય તેટલાંજ તેમની દૃષ્ટિએ પુરતાં છે. તે કહે છે કે, કુટુંબ અને શાળાની રચના પ્રેમ અને પવિત્રતાના સૂત્ર પર થવી જોઈએ.

પોતાની સંસ્થામાં, કુટુંબમાં અથવા દેશમાં એ તત્વોનું કોઈ સ્થળે ઉલ્લંધન થાય છે, તો તેનો પણ સર્વ દોષ ગાંધી પોતાને માથે ખેંચી લે છે અને તેના નિરાક૨ણ માટે તે પોતાને શિક્ષા પણ કરી લે છે. કેટલાક દિવસ સુધી તે પૂર્ણ ઉપવાસ કરે છે અને તેટલી મુદતમાં અપરાધી પશ્ચાતાપ પામી ઠેકાણે આવે છે એવો અનુભવ પણ થયો છે. એક વખત એક મીલમાં હડતાળ પડી ત્યારે ગાંધીએ એ જ ઉપાયની યોજના કરી. તરતજ મીલમાલેક શુદ્ધિ પર આવ્યો અને મહાત્માના ઉપોષણનું પાપ પોતાના માથે ન પડે તે માટે તેણે મજૂરોની માગણી કબૂલ કરી. યુવરાજનું મુંબઈમાં આગમન થયું ત્યારે ત્યાંના કેટલાક માણસોએ તોફાન કરવાથી તે પ્રસંગે પણ ગાંધીએ એજ ઉપાયની યોજના કરીને તેનું શમન કર્યું, એવી હકીકત પ્રસિદ્ધ થઈ છે.

ગાંધી પૂર્ણ ત્યાગી છે. ત્યાગ એ તેમનો મહામંત્ર છે અને અન્ય પણ તેજ મંત્ર સ્વીકારે એવી તેમની ઇચ્છા છે. તેમની દૃષ્ટિએ જીવનની ચાલુ ક્ષણે જેટલી વસ્તુઓની જરૂર હોય, તેથી અધિક સંગ્રહ કરવો એ તેમને મન ચોરી કરવા જેવું છે. ગાંધી અને તેમનાં પત્ની એ ઉભયે પોતાના સર્વસ્વનું દાન કરી દીધું છે. તેમણે ઘણાં વર્ષ વકીલાતનો ધંધો કર્યો હતો અને તેમાં તેમને પ્રાપ્તિ પણ સારી હતી, પરંતુ હવે તેમની પાસે

૩૨