લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આ અને આવાજ પ્રકારના બીજા મતો સામાન્ય માણસને કઠોર લાગે છે પણ ગાંધીની શ્રુતિનાં એ સઘળાં મહાવાક્ય છે. આ વાતો કેવળ બુદ્ધિ ગમ્ય કરવાની કે મુખે બોલવાના અર્થની નથી. તેનો પ્રત્યક્ષ આચાર થવા માટે ગાંધીનો આગ્રહ છે. એ મતોનો આદ્ય પ્રવર્તક અક્ષરશઃ એ પ્રમાણે વર્તે છે અને આચારમાં કંઈ ખામી રહેતી હશે તો તેના કા૨ણમાં તેમની પોતાની દુર્બળતા કે કુટુંબીઓ પ્રત્યેની વધારે પડતી મમતા તો નથી જ હોતી. માંદગીમાં તે કોઈ પણ દાક્તરની મદદ નથી લેતા. તેમનું અન્ન તદ્દન જાડું પાતળું હોય છે. તે હાથે વણેલી ખાદી વાપરે છે અને એક વસ્ત્રસહ ઉઘાડા પગે સાર્વભૌમના પ્રતિનિધિ આગળ ઉભા રહે છે. ભય નામના પદાર્થની તેમને ખબર જ નથી. તે લોકોને જેવો ઉપદેશ કરે છે તેવીજ રીતે વર્તવામાં કદિ પણ પાછા પડતા નથી. ધાર્મિક ઉન્નતિનો માર્ગ શારીરિક કષ્ટ અને દુ:ખભોગથીજ સાધ્ય કરી શકાય તેવા છે, એ વિચારની જાણે કે તેમને ઘેલછા જ લાગેલી જણાય છે; તથાપિ એટલી કઠોરતામાં પણ દયા અને હૃદયની મૃદુતા તેમનામાં ભારોભાર એાતપ્રોત રહેલી જણાય છે. અમારી પાશ્ચાત્ય પદ્ધતિથી બોલીએ તો તેમને કૃપાસાગર સંજ્ઞા લાગુ પાડી શકાશે. તેમને એક રગતપીતીયાનું લોહીપુરૂ પોતાના શરીરનાં વસ્ત્રોથી લૂછતા પ્રસ્તુત લેખકે જાતેજાત જોયા છે. આજે હિંદુસ્થાનની સામાન્ય જનતાના હૃદય૫ટ૫૨ ગાંધીનું અધિરાજ્ય કેમ સ્થાપન થયું છે, તેનું રહસ્ય આ હકીકતમાંથી મળી આવશે, ગાંધીમાં સંન્યાસવૃત્તિનું મૂર્તિમંત ચિત્ર છે, અને એથીજ હિંદી જનતાએ મહાત્મા પદવીથી

તેમનો અભિષેક કર્યો છે.

૩૬