તેથી એક ભાષા વિષેના તેમના મતને જોઈએ તેટલી પુષ્ટિ મળેલી જણાતી નથી.
આ લેખક ગાંધીના રાજકારણી શિષ્યવર્ગમાંનો નથી કે નથી તેમના ધર્મ મતનો અનુયાયી; તથાપિ ગાંધીનો કેટલાંક વર્ષથી પરિચય હોવાથી તેમના મતોનું તેણે આદરપૂર્વક નિરીક્ષણ કર્યું છે. મહાત્માજીના સાન્નિધ્યમાં સત્સંગનો કેવો લાભ હોય છે તેનો પણ તેને અનુભવ મળ્યો છે. વજ્રપ્રાય માનસિક શક્તિ પોતાનુ કાર્ય શી રીતે કરે છે, તે પ્રત્યક્ષ જોયાથી પ્રસ્તુત લેખકને મહાત્માજીનું સાન્નિધ્યમાં પુષ્કળ ઉપયોગી થયું છે. મનુષ્યનું કર્તવ્ય શું અને તેનો માર્ગ કેવી રીતે સાફ કરવો જોઈએ તેનું જ્ઞાન પ્રસ્તુત લેખકને મહાત્માજીના જીવંત રૂપે મળ્યું છે. મનુષ્યના સામાન્ય દૃશ્યપટની પાછળ જે ચૈતન્ય અને વિશાળ શક્તિ ઉભી છે, તેનું ઝાંખું ઝાંખું જ્ઞાન પ્રસ્તુત લેખકને પ્રસંગોપાત થયું છે; એવા પ્રસંગે “પવિત્ર ગંગેાદક તો આપણને સ્નાનથી શુદ્ધ કરે છે, પણ સત્પુરૂષનાં તો દર્શન માત્રથી પણ આપણે પવિત્ર બનીએ છીએ” એ અર્થના સંસ્કૃત શ્લોકનું સ્મરણ થયા સિવાય નથી રહેતું.