અતિ મહાપુરૂષ, નીતિવાન, વીર સોકરેટીસ ઈસ્વીસન પૂર્વે ૪૭૧ ની સાલમાં થઈ ગયો. તે ગ્રીસ દેશમાં જન્મ્યો હતો અને તેની જીંદગી નીતિનાં ને પરોપકારનાં કામો ક૨વામાં ગઈ હતી. તેની નીતિ, તેના ગુણો કેટલાક અદેખા માણસો નહિ દેખી શક્યા; તેથી તેની ઉપર ખોટાં તહોમતો મુકવા લાગ્યા; સોકરેટીસ (ઈશ્વરથી) ખુદાથી બહુ ડરીને ચાલનારો હતો, તેથી માણસોની ટીકાની થોડી દરકાર કરતો. તેને મ્હોતનો ભય નહોતો. પોતે સુધારક હતો, અને ગ્રીસની રાજધાની એથેન્સના લોકોમાં જે સડો દાખલ થયો હતો તે કહાડવાને તે મથતો. તેમ કરતાં ઘણા લોકોના સંબંધમાં તે આવતો. જુવાનીઆઓનાં મન ઉપર તેણે બહુ સારી અસર કરી હતી, અને તેઓના ટોળાં તેની પાછળ ફરતાં. આથી કેટલાક લૂંટારાઓને લૂંટવાનું મળતું તે બંધ થયું. માણસોને બગાડીને જેઓ પોતાની કમાણી કરતા તેએાની કમાણીમાં હરકત પહોંચવા લાગી.
એથેન્સમાં એવો નિયમ હતો કે જેઓ ત્યાંના બંધારણ મુજબના ધર્મ પ્રમાણે ન ચાલે, અને બીજાને તેમ નહિ ચાલવાને શીખવે તેને ગુન્હેગાર ગણવો. તેવા માણસોનો ગુન્હો સાબિત થાય તો તેને મ્હોતની સજા થાય.
સોકરેટીસ પોતે રાજ્યધર્મ પ્રમાણે ચાલતો. પણ તેમાં જે પાખંડ દાખલ થયું હતું તે નાબૂદ કરવાનું બીજાઓને
બેધડક શીખવતો અને પોતે પાખંડથી દૂર રહેતો.