પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦

ઝરે છે, રગેરગ કડાકા થાય છે, ત્યારે શબ્દો ગોઠવાય છે, ને એ શબ્દરચનાઓ કરી કરીને ય આખરે એ કવિ, 'ખાંપણમાંય તારે ખતા પડશે.' તારા શબને કફનનો ટુકડો ય કદાચ નહિ મળે. તારાં તનની ખાખ થશે, પણ તે પછી ય તારા શબ્દો તો પંથવિહોણા પથિકોને વાટદેખાવણ દીવડા બની રહેશે.

ભજનનું વાહન

‘પ્રયોગકારો' કહ્યા મેં આજના કવિતાકારોને, 'યુગવંદના’ પૂર્વેનાં ‘વેણીનાં ફૂલ’ ને 'કિલ્લોલ’માં જૂજવા પ્રયોગો જ હતા. ‘યુગવંદના’ પણ પ્રયોગોની જ એક પોઠ્ય હતી. એમાં ભજનની ભાવલઢણમાં તેમ જ ઢાળલઢણમાં થોડી રચનાઓ કરી હતી: 'ઊંડી રે નીંદરૂમાં અમે સાંભળ્યું રે ધરતી માગે છે ભોગ !’ એ પહેલો પ્રયોગ: 'વીરા મારા પંચ રે સિંધુને સ્મશાન' એ બીજો ને 'ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી' એ ત્રીજો. પહેલો પ્રયોગ એક ધર્મપુરુષે દોરવ્યા સૌપહેલા પ્રજાસંગ્રામ પર અજમાવ્યો, બીજો પ્રયોગ એક માનવીના વધસ્થંભારોહણના પ્રસંગ પર, ને ત્રીજો એક વ્યાપક વિશ્વસ્થિતિ ઉપર. એ ત્રણ પ્રયોગોએ ઊપલી નીચલી સર્વ સાહિત્યરસ-કોટિઓનાં શ્રોતાજનો પર મેળવેલી સફલતાથી એક ખાત્રી થઈ કે ભજન એ કાવ્યનું જૂનવાણી વાહન નથી, એ કવિતાસ્વરૂપમાં સનાતન તાકાત ભરી છે; ને એ શક્તિસ્વરૂપ કેવળ વૈરાગ્ય અને આધ્યાત્મિકતાનું જ નહિ પણ આત્મસમર્પણ, યુદ્ધ અને સામાજિક અવસ્થાની વિષમતાના આધુનિક (ખરૂં જોતાં તો સર્વકાલિન) ભાવોનું પણ ગરવું ગંભીર વાહન બની શકે તેવી છે. ને હકીકતે જોઈએ તો સોરઠી ભજનિકોએ ઘેરી ઘેરી ભજનવાણીના પ્રયોગો વીર, રૌદ્ર, કરુણ, શૃંગાર વગેરે સર્વ પ્રકારના રસોને પ્રકટ કરવામાં ક્યાં નથી અજમાવ્યા ?—