પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮

સ્વાભાવિક સહૃદયતા નથી વિલસતી. એ હિસાબે 'કેમ કરે, કાયદો નૈ !’ (પાનું ૨૬)નો કટાક્ષ વધુ માનવતાયુક્ત ને સ્વાભાવિક લાગશે. સંચાની સાથે ભાઈબંધીનો સ્નેહ સમજતા મજૂર યંત્ર ચલાવતાં ચલાવતાં પોતાની કુંવારી બહેનના વિવાહના વિચારે ચડે છે, વિવાહ માટે જોઈતાં નાણાં નથી; નાણાંની બચત વગર વિવાહ કેમ કરીને બનશે? એ વિચારગ્રસ્ત દશામાંથી સંચાના સંચાલન પ્રત્યે ગફલત જન્મી, બેધ્યાન બની જવાયું, સંચાએ બેધ્યાન 'દોસ્ત'નો હાથ એક જ લબરકે, કોણી સુધી ચાટી લીધો ! ને મજૂરની મા 'કમ્પસન’ (Compensation : નુકશાની) માગવા શેઠીઆઓથી માંડી રાજા સુધી ભટકી આવી પણ સૌએ એક જ જવાબ વાળ્યો : 'શું કરીએ બાઈ ! કોમ્પેન્સેશનનો તો આપણા રાજ્યમાં કાયદો જ નથી ના !’

આમાં મને કટાક્ષની નિર્મળતા દેખાઈ છે. હાંસી વેધક રહી છે પણ ઘાતકી નથી બની ગઈ, દાંતકચકચાટી દૂર રહી શકી છે. અને અવ્યકતનું શેષ મજૂરની બહેનનાં લગ્ન સંબધી ચિંતામાંથી નીપજતા પરિણામની કરૂણતાએ રંગાયેલું આપણા હાથમાં રહી જાય છે.

કવિતામાં પુણ્યપ્રકોપ

યંત્ર−માલિકો પ્રત્યેના રોષદ્વેષને દૂર રાખીને તેમજ મજુરની જ સર્વગુણસંપન્નતા ગજાવ્યા વગર, ન્યાય અન્યાયની વ્હેંચણી કરવાનો લોભ ત્યાગીને, પીડિતવાદના દરિયાવને ડોળવાનું કામ કવિતા માટે દુષ્કર છે. કવિતા કાં ગાળોનો કોપ બની જાય છે, કાં વેવલાઈની રૂદનિકા બની જાય છે. નરી ચ્હીડ અને પુણ્યપ્રકોપ વચ્ચે, ગુસ્સા અને જુસ્સા વચ્ચે વિવેક કરવાનો કવિધર્મ ગંભીર છે. પુણ્યપ્રકોપના વિશુદ્ધ પ્રાદુર્ભાવને ‘પુણ્ય'ની પહેલી અપેક્ષા છે ને એ પુણ્યવત્તાને પામતા પહેલાં હૃદયને કેટલા વિષઘુંટડા પચાવી જવા પડે છે ! વાણી ખીજાઈને વ્યકત થાય છે, ને એ ખીજ પણ સ્વાનુભવનું સત્ત્વ નથી હોતી,