પૃષ્ઠ:Ek-Taro.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧

લીરા ઉરાડતી એ તારામંડળના વડ–ટેટા ઝંઝેડે છે, ઘનીભૂત મેઘાંબરમાં એ પોતાનાં નેણાં સમારવાનું કાજળ ઘૂંટે છે, ને એ સંધ્યાને આભઓવારે ઊભેલ કોઈ બખ્તરિખા જોદ્ધાની પીઠ પાછળ એક ઘોડલે બેસીને બાપુનો દેશ છોડી જાય છે.

કારમાં છુંદણાં

એ કલ્પનામાં અનુભવેલી ઉન્મુક્તતા અને સુવિશાલતાનો ‘તકદીરને ત્રોફનારી’માં મને સવિશેષ સઘન અનુભવ થયો છે. જેણે આકાશની છાતીનો બરાબર મધ્ય ઉરભાગ છૂંદણે ટાંક્યો, જેણે પુરાતન પુરુષ રામચંદ્રના તકદીરમાં કીર્તિની વેલડીઓ ત્રોફી, રાજયોગી ભર્તૃહરિના લલાટમાં જ્ઞાનવૈરાગ્યનો અમર યશ ટાંક્યો, ને બાળુડા ગોપીચંદની પીઠમાં એની જનેતાના આંસુ વડે જગદ્વવંદ્ય ભેખ ત્રોફ્યો, એવી એક નિગૂઢ વિધાત્રીના હાથમાં નીલા રંગની કુલડી તો નાની છે, પણ એમાં એણે દરિયાના દરિયા ઘોળ્યા છે : એણે ફક્ત પોતે ત્રોફેલા ત્રાજવાના સુંદર નમૂના જ બતાવ્યા, પણ ન બતાવી એની સોય (એની સંતાપીતલ શક્તિ) કે જે વડે એણે કોઈકનું કલેજું ને કોઈકનાં કપાળ ત્રોફ્યાં હતાં. ખોલી ખોલીને એ બતાવે છે પોતાનાં કરણોજ્જવલ કારમાં ત્રોફણો. ને...હાય, એનાં ત્રોફણાંનું કીર્તિસૌંદર્ય કામી લેવાની અણસબુરીમાં માનવીને નજરે નથી પડતી .પેલી 'કમખામાં સંતાડલ સોય’ નામની કીર્તિ-ત્રોફણ કસોટી. રૂપ જોઈએ છે, પ્રસિદ્ધિ ખપે છે, પણ નથી બરાબર કલેજાના મર્મભાગ ઉપરનાં, સાચાં સંવેદનનો રંગ પકડતાં, તકદીરનાં ત્રોફણાં ખમી ખાવાની તૈયારી. ભજનવાણીનો નિગૂઢ પ્રાણ પકડી શકાયો હોવાનો ઠીક ઠીક સંતોષ મને આંહી થયો છે. ભજનસાહિત્યમાં કોઈ કોઈ ઠેકાણે રમતી કલ્પનાની મહાકાયતા આાંહી મારે દ્વારે ઘડીક ડોકાઈ ગઈ છે.