પૃષ્ઠ:Ek-Taro.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આત્મનિરીક્ષણ

બ્દોના સોદાગરો : કવિજનોને, સાહિત્યના સર્જકોને એ નામે ઓળખાવવા ઉચિત નથી ? સોદાગર એટલે દેશદેશાન્તરે ઘૂમતો, જૂજવા સીમાડાનો પરિભ્રમણશીલ વ્યાપારી. હાટડું માંડીને એ બેસે નહિ. એની વણઝાર સાહસોને નોતરતી ચાલે. અણખેડ્યા પંથ એને ડરાવે નહિ, અણદીઠી ભોમ એને અકળાવે નહિ, નવલા પ્રદેશોનાં એ અન્નોદક ચાખે. એની ઠાલવેલી પોઠ્યોમાંથી સ્થલેસ્થલની માલઆપલે ચાલે. સોદાગર શબ્દ સર્વોચિત છે, કારણ કે વિચારે અને ઊર્મિઓના કાફલા વહન્તો સાહિત્યક વિશ્વપ્રવાસી છે, સાહસશૂર છે, ધૂની છે, અને એ બધાંથી યે ચડી જાય તેવું તેનું બિરદ તો છે, પોતાના પ્રિય ઘરસંસારથી લાંબા વિજોગો, સ્વૈચ્છિક દેશવટાઓ લેવાનું. એના કેડા એકલતાએ ઘૂઘવતા હોય છે. છતાં એ તો વ્યવહારી સોદાગર છે, વિવેક એનું મોટું લક્ષણ છે.

'ઉપડ ધણીને દ્વાર !'

પણ શબ્દોના સર્વ સોદાગરોમાં યે વિલક્ષણ ને વિષમપંથી તો કવિતાકાર છે. એને આપણે ઓળખ્યો છે અતરિયો, સુરૈયો કહીને. ‘આપણ કાંધે લઈ ગઠડિયાં, ઉપડ ધણીને દ્વાર !’ એ બાંધ્યું છે મેં કવિ-સુરૈયાનું નિરાળું સ્વરૂપ. એનો અસબાબ એણે એની કાંધ પર જ ઉપાડવાનો હોય છે. એની કૂંપીઓમાં અર્કો, નિષ્કર્ષો ભર્યા છે. એની કવિતાની પોઠો કે કાફલા નથી ઠલવાતાં.