પૃષ્ઠ:Ek-Taro.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પંખી ને પશુકોટિમાંથી છેવટે માનવ-ભૂમિકામાં તે લઈ આવ્યો છે, તો યે હજુ તલસે છે : માનવી પ્રભુ માટે નહિ પણ પ્રભુ માનવી માટે તલસે છે ! એવો જે 'ગરજ કોને ?' ના પદ વાળો ભાવ, તે શું પદને રચયિતા પોતાના ઊર્મિતંત્રમાં અનુભવે છે ? તલસતા પરમ ચૈતન્યસ્વરુપની એને આત્મપ્રતીતિ થાય છે?

અધ્યાપક મિત્રના એ પ્રશ્નનો ઉત્તર મેં નકારમાં વાળ્યો. ભક્તો પોતાના અનુભવો ગાતા હશે, કવિતાકારોનો એક સમૂહ પોતાનાં ઉરસંવેદનોને શબ્દસ્થ કરતો હશે. પણ બીજો એક સમૂહ છે, જે બહુધા પરાનુભવોને જ પોતાના ઊર્મિ-તંત્રની વીણા કે એકતારા પર બજવવા મથે છે. એટલે કે મુખ્યત્વે એ કલ્પક છે, નિજનુભવી નથી. ઉદાહરણ લઈએ : પીડિતો દુઃખિતોનાં પદો ઘણાએ ગયાં છે. મેં પણ ગાયાં છે. એમાંનાં કેટલાંક પરભાષામાંથી મેં જેમ આપણી ભાષામાં ઉતાર્યા છે, તેમ બીજાં કેટલાંક જેને વ્યવહાર વાણીમાં મૌલિક નામે ઓળખવામાં આવે છે તે પણ વસ્તુત: મૌલિક નથી, એટલે કે તેનાં મૂળ રચનારના પોતાના પીડિતપણામાં નથી બાઝેલાં. પરભૂમિમાં ઉગેલ રોપાઓને પોતાને આંગણે લાવીને ચોંપનાર માણસની માફક પરપીડનના સંવેદનોમાંથી ઉદ્દભવેલા એ ભાવને મેં મારી કલ્પનાભોમમાં માત્ર રોપ્યા છે. ભોગવનાર અનુભવનાર, વેદનાનાં હળો વડે ખોદાઈ જનાર ભોંય પારકાં હૈયાંની છે; કવિતાકાર એ સંવેદનોના સીધા પરિસહનાર તરીકેનો દાવો કરી શકે નહિ.

સંવેદનની ખરલમાં

યૂથિકાએ ગાયું છે ગ્રામોફોનની તાવડી ઉપર : ‘કોઈ કહીયો કહીયો કહીયો રે હરિ આવનકી.' મીરાંનાં બીજાં યે ઘણાં પદો એણે ગાયાં છે. ગાન એનું છે, તલસાટ એના નથી. મીરાંના છે. મીરાંની ભસ્મ ઉપર ચાર સૈકાના વાયરા વાઈ ચુકયા છે. આજની ગાનારી