પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

હોય ત્યાં ખાટલો રાખવો, અને એવી જગ્યાએ રાખવો કે બારીમાંથી બહાર દૃષ્ટિ પડી શકે; કારણ કે દર્દી હમેંશ પ્રકાશથી ખુશ થાય છે.

૭ માણસ જયારે સખત બીમારી ભેાગવતું હોય તે વખતે આસપાસના લોકોએ તેના દર્દ વિષે વાત કરવી નહિ; તેમ જ તેને જલદી આરામ થઈ જશે એવી આશાઓ પણ આપવી નહિં; કેમકે તેથી દર્દીના મનને કાંઈ પણ ખુશી કે સંતોષ થતો નથી. બેશક, દાક્તરોએ તો આશા ને ધીરજ બતાવવી જ જોઈએ: પણ જે માણસોને અનુભવ ના હોય તેમણે એવી વાત કરવી વ્યર્થ છે. કેમકે દર્દીને સાંભળીને માત્ર કંટાળો જ ઉપજે છે. એવાં માણસોને બનતા સુધી દર્દી સાથે વાત જ ના કરવા દેવી. એકંદર આડેાશી પાડોશી, સગાં સંબંધી સાથે ઘણીવાર વાતચીત કરવા દેવી નહિ, એ નર્સની ફરજ છે.

૮ દર્દીના ચહેરાની તેમ જ એના હલનચલનની ઘણી સુક્ષ્મ દ્દષ્ટિથી તપાસ રાખવી જરૂરની છે. કઈ બાબતની તપાસ રાખવી જોઈએ, અને તે કેવી રીતે રાખવી તે જાણવાની ઘણી જરૂર છે. જે કાંઈ ફેરફાર માલૂમ પડે તે નોંધી રાખવા અને દાકતર આવે ત્યારે તેને જણાવવા દર્દીના મોં આગળ ખરી વાત કહેતાં ઘણી મુસીબત પડે છે. તે માટે ઘણી સાવચેતીથી તેની સાથે બોલવું જોઈએ. દાકતરને હકીકત કહેવી તે ઘણી જ સંભાળથી કહેવી. એમાં જરા પણ ગફલત થવી ના જોઈએ. જો કાંઈ યાદ રહે એવું ના હોય તો નોંધ પુસ્તક રાખવું. એકંદર રીતે દર્દી પાસે ઘણાં સાવધાન થઈને રહેવું જોઈએ.

૯. દર્દીની સાથે વારંવાર પુછપરછ કરવી નહિ. તેનો ચહેરો જોઇનેજ જાણી લેવું જોઈએ કે કંઈ વેદના થાય છે કે નહિ. વળી તેનો ચહેરો આપણે તપાસ્યા કરીએ છીએ એ વાત તેની જાણમાં આવવી ના જોઈએ. દર્દીને એ બાબતની હમેંશ ઘણી ચીડ હોય છે.