પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.


ધર્મ ઉપર પણ તેમને પૂર્ણ શ્રદ્ધા હતી, અને ક્રીશ્ચીઅન ધર્મનો પ્રચાર કરવાનો તે અત્યંત પ્રયાસ કરતા.

ફ્લૉરેન્સની માતાનું નામ ( તેમના પિતાના ઘરનું ) મિસ ફ્રાન્સિસ સ્મિથ હતું. તેમના પિતા મિ. વીલીઅમ સ્મિથ પચાસ વર્ષ સુધી પાર્લા- મેંટમાં નૉરીચ તરફના મેંબર હતા. તે વખતના પ્રમાણમાં તેમના બહુ ઉદાત્ત અને સ્વતંત્ર વિચાર હતા. ધર્મ અને પરોપકારનાં કાર્યમાં બહુજ ખંતથી ભાગ લેતા હતા. મિસિસ નાઈટીંગેલ ( ફ્લોરેન્સની માતા ) નો સ્વભાવ ઘણી રીતે તેમના પિતા જેવો હતો.

અનાથ લોકેાને તે હંમેશ મદદ કરતાં. તે જાતે જાજરમાન અને ખુબસુરત ચહેરાવાળાં હતાં. તેમના સર્વ આચાર વિચાર એક નિપુણ ગૃહિણીને યોગ્યજ હતા. હજી સુધી ગામના લોકો એમને યાદ કરે છે.

ફ્લૉરેન્સમાં અનાથ લોકો માટે દયા તથા પ્રચલિત રૂઢિની વિરુદ્ધ પરોપકાર કરવાની વૃત્તિ હતી. તે તેમની માના કરૂણાળુ સ્વભાવને લીધેજ હતી. તેમના પિતાનો મત એવો હતો કે, સ્ત્રીઓને ઊંચા પ્રકારની કેળવણી આપવી. લખવું, વાંચવું, શીવવું, ગુંથવું એટલાથી સ્ત્રી કેળવણીની સમાપ્તિ થતી નથી. માતા તરફથી ફ્લૉરેન્સમાં દયાનો ગુણ આવ્યો હતો, અને પિતા તરફથી વિદ્યા ઉપર પ્રીતિ આવી હતી. મિ. નાઇટીંગેલને માત્ર બેજ સંતાન હતાં, ફ્રાન્સિસ પાર્થીનોપ, જે પાછળથી લેડી વર્ની નામે ઓળખાઈ અને બીજી તેના કરતાં એક વર્ષ ન્હાની ફ્લૉરેન્સ.