પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.


દક્ષિણ આફ્રિકાની લડાઈ ચાલતી હતી તે વખતે નર્સોને માટે કેવા બંદોબસ્ત થાય છે એ સર્વ તે લક્ષમાં રાખતાં હતાં. પોતાને ક્રાઈમીઆની લડાઈ વખતે ઘણી વિટંબના પડી હતી તેથી તે જાણવાને હમેશ આતુર રહેતાં.

સત્યાશી વર્ષની વયે પણ તેમની બેાલવાની રીત પ્રથમના જેવી જ સ્પષ્ટ અને શુદ્ધ છે. તેમનો ચહેરો પણ હજી પ્રથમ જેવો જ છે. તેમાં પણ કાંઈ ફેર પડયો નથી. તેમના કપાળ ઉપર કે ગાલ ઉપર એક પણ કરચલી પડી નથી. તેમની દ્રષ્ટિ પણ હજી સ્પષ્ટ છે.

આજ કાલની ઉછરતી છેાકરીએાની સાથે એ ઘણા માનથી વાતચીત કરે છે. ડીસ્ટ્રીક્ટ નર્સીંગ ( ગામડાંઓમાં જઈને લોકની સારવાર કરવી ) નો વિષય એમને ઘણો પસંદ છે, અને એમાં કામ કરનારાંઓ સાથે વાત કરીને ઝીણામાં ઝીણી બાબતોની માહિતી રાખે છે. લેાકોના આચાર વિચારમાં, રહેણી કરણીમાં કાંઈ ફેર પડતો જોવામાં આવે છે કે નહિ એ પ્રશ્ન તે વારંવાર પુછે છે.

નર્સીંગનું નામ લોકોમાં ઘણું પ્રચલિત થવા માંડયું છે એ જોઇને તેમને ઘણો જ સંતોષ થાય છે: કારણ કે શરૂઆતમાં નર્સો મેળવવાને તેમને કેટલી મુસીબતો નડી હતી, લોકનિંદા સાંભળવી પડી હતી તે તેમને બરાબર યાદ છે. વળી નર્સની રીતભાત અને વર્તન નીતિમય હોવાં જોઈએ તે માટે તે ખાસ આકાંક્ષા રાખે છે. પરીક્ષામાં પાસ થાય એટલે કાંઈ સારી નર્સ થઈ કહેવાય નહિ; કેમકે એ ધંધામાં તો સુશીલતા અને શિયળતાની ઘણી જ આવશ્યકતા છે. જેને જાતિ સ્વભાવ સદાચારી હોય તે જ સારી નર્સ થઇ શકે એવો તેમનો મત છે.

ઘણી વાર તેમને એમ્બલી અને લીહર્સ્ટનાં ઘર સાંભરે છે, એમ્બલી તો તેમના કુટુંબના હાથથી ગયું છે, પણ લીહર્સ્ટ તેમના એક સગાના કબજામાં છે, અને મિસ નાઇટીંગેલ પોતાનાં જુના ઓળખાણના માણસોની ખબર રાખતાં રહે છે.