પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩
પ્રકરણ ૧૬ મું.


આ મહાન સ્ત્રીનું નામ આખા ભૂગેાળમાં પ્રખ્યાત થયું છે; દરેક દેશમાં તેમના કાર્યની પ્રખ્યાતિ પ્રસરી છે. લોકો તેમની કીર્તિની પુષ્કળ સ્તુતિ કરે છે - ઘણાં તો જાણતાં પણ નથી કે આ મહાત્મા જીવે છે. આટલી ખ્યાતિ છતાં એ પોતે તેા એટલાં નમ્ર, સાલસ અને શરમાળ છે કે પ્રસિદ્ધતા પામવા જરા તેમની ઈચ્છા નથી. તેમના યશનું બળ, તેમનું વિજયી દૃષ્ટાંત અને તેમની અમૂલ્ય શીખામણો આખા જગતને વારસારૂપ છે.

૧૯૦૪ ના મે મહિનામાં તેમની વર્ષગાંઠને દિવસે ઘણા લોકો તરફથી તેમને મુબારકબાદી મળી હતી. નામદાર શહેનશાહે આ અનુપમ વિજયી નારીને લેડી ઍાફ ગ્રેસ ઑફ ધી અૉરડર ઑફ સેંટ જોન ઑફ જેરૂસેલમનો ઘણો ઉમદા ઈલ્કાબ બક્ષ્યો હતો.

રણમાં વિજય પામનાર યોદ્ધાઓને આપણે વખાણીએ છીએ; પરંતુ સ્ક્યુટેરાઈની હોસ્પીટલમાંથી રોગને જડમૂળથી નાશ કરીને તદ્દન અવ્યવસ્થામાં નિયમપૂર્વક વ્યવસ્થા કરનાર પરોપકારી, કર્તવ્યપરાયણ, કુમારી નાઇટીંગેલ ભૂખ, નિદ્રા, આરામ સર્વ ખોઈને માત્ર દર્દીઓની સગવડ સાચવનાર અને ભયંકર રોગની જરા પણ દરકાર કર્યા વગર ઈશ્વર પ્રીત્યર્થે જ કામ કરનાર આ સ્ત્રીનાં વખાણ કરવાને શબ્દ પણ જડતા નથી. આપણા માન અને વખાણથી તેમની કીર્તિમાં કાંઈ વધારો થવાનો નથી. એમનો યશ તો અમર જ રહેવાનો છે. ઈશ્વર આ મહાન સ્ત્રીને સદા શાન્તિમાં રાખો.

સમાપ્ત