પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

ના હોવાથી જે નિરૂત્સાહી જીવન ગાળવું પડતું તેવી બીક તેને જરાએ નહોતી, કારણ કે ગમે તે સ્થાને અને ગમે તે વખતે કાંઈ પણ ઉપયોગી ઉદ્યમ તેને સૂઝી આવતો.

તે ગામની નિશાળ ઉપર મિ. નાઇટીંગેલની દેખરેખ બહુ હતી અને ફ્લૉરેન્સ શાળાના બાળકોને રમત ગમત કરવામાં તેમને સારી મદદ કરતી. દર વર્ષે એક વાર તેમને ઘેર બાળકેાને મીજબાની અપાતી અને ફ્લૉરેન્સ, પાર્થી અને તેમની માતા સર્વ તેમાં ઉત્સાહથી ભાગ લેતાં. મીજબાની થઈ રહ્યા પછી દરેક છોકરાને વિવિધ પ્રકારની ભેટ મિસ નાઈટીંગેલને હસ્તક આપવામાં આવતી.

ધર્મનું કામ પણ ફ્લૉરેન્સ તેટલી જ હોંસથી કરતી. પોતાના ગામમાં વસતી જુવાન સ્ત્રીઓ માટે એક બાઈબલ કલાસ કહાડી હતી; તેમાં કોઈ પણ પંથની સ્ત્રીને દાખલ થવાને પ્રતિબંધન નહોતું. કોઈ પ્રકારનું પરોપકારનું કાર્ય થતું હોય તેમાં ભાગ લેવાને તે હંમેશ આતુર હતી. પોતાની પડોશમાં મિ. અને મિસીસ સીડની હર્બર્ટે એક બાળકો માટે હૉસ્પીટલ કહાડી હતીઃ તે માટે તે અત્યંત ઉત્સાહથી કામ કરતી હતી.

ધર્મ અને પરોપકારનાં કાર્ય ઉપરાંત અનેક વ્યાવહારિક સમાજોમાં મિસ નાઇટીંગેલ ભાગ લેતાં. પ્રસંગોપાત લંડનની સભાઓ–મીજલસેામાં પણ હોંસ અને આનંદથી બંને બહેનો જતાં. પરંતુ વખત જતાં ફ્લૉરેન્સ નાઇટીંગેલનું મન સામાજીક મોજ શોખ ઉપરથી ઉડી ગયું હતું. અને વધારે લેાકોપયોગી કાર્ય કરવા તરફ તેનું લક્ષ દોરાયું હતું. પોતાના કુટુંબમાં એકાદ બે સખ્ત મંદવાડ તેણે પ્રત્યક્ષ જોયા ત્યારથી માવજત (નર્સીંગ) કરવામાં તેને સારી કુશળતા મળી હતી; અને જ્યારે ઘરમાંથી મંદવાડ ગયો ત્યારથી નર્સીંગનો નિયમસર તેણે અભ્યાસ કરવા માંડયો.