પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

પ્રકરણ ૪ થું.
--:(૦):--

ઈ. સ. ૧૮૪૯ માં ફ્લૉરેન્સ કૈસરવર્થના આશ્રમમાં દાખલ થયાં. એ આશ્રમ જેવી બીજી એકે સંસ્થા તે વખતે નહોતી.

હૉસ્પીટલોમાં રહીને તથા પોતાના ઘરમાં અને પારકાના ઘરમાં નર્સીંગ કરવાનો જો કે તેમણે થેોડો ઘણો અનુભવ મેળવ્યો હતો, પરંતુ સંપૂર્ણ કેળવણી તો તેમને આ આશ્રમમાંથી જ મળી. આ આશ્રમમાં રોમન કેથલીક પંથના મઠની માફક કાંઈ પ્રતિબંધ નહતા. એના ઉપરી પાસ્ટર ફલીડનર હતા. તે ઘણા ભક્તિમાન્ અને ધર્માત્મા હતા, અને તેમના સંસર્ગમાં આવવાથી ફ્લૉરેન્સને અનેક લાભ મળ્યા હતા.

ગરીબ અને માંદા માણસોને સંભાળવાનું કામ સ્ત્રીઓ કરે તેની અર્વાચીન સમયમાં યુરોપમાં કાંઈ નવાઈ રહી નથી; પરંતુ ફ્લૉરેન્સના સમયમાં તો એ રીતની બહુજ નવીનતા લાગતી. સામાન્ય કેળવાએલી દાયણની રીત પણ તે વખતે નહોતી. કૈસરવર્થના આશ્રમમાં નર્સીંગ તેમજ ગરીબ તથા ભ્રષ્ટ લોકોને સહાયતા આપવાનું બંનેનું શિક્ષણ મળતું. તેમાં દાખલ થનારને રોમન કૅથલીક સિસ્ટર્સની માફક કાંઈ સોગન લઇ બંધાવું પડતું નહોતું. માત્ર ઈશ્વરનો ભય રાખીને તેને પ્રસન્ન કરવાની ખાતર તથા અનાથ માંદાની દયાની ખાતર પોતાનું કાર્ય કરવાનું હતું. જો કાંઈ જરૂર પડે તે તેમને પોતપોતાના કુટુંબમાં પાછા જવાની તેમજ પરણવાની છૂટ હતી; પણ એટલું કે લગ્ન કર્યા પછી તેમને હોસ્પીટલમાં રહેવાની પરવાનગી નહોતી.

આશ્રમમાં દાખલ થયા પછી દરેક ઉમેદવારને રાંધતાં, સીવતાં, લૂગડાંને અસ્ત્રી કરતાં તથા વાસણકુસણ માંજીને સ્વચ્છ રાખવાનું એ સર્વ શીખવવામાં આવતું; તે ઉપરાંત હિસાબ કિતાબ રાખતાં, કાગળ,