પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
પ્રકરણ ૭ મું.

વિન્સેન્ટના આશ્રમમાં જ્યાં મિસ નાઇટીંગેલ પ્રથમ એકવાર ગયાં હતાં ત્યાં થોડો વખત વિસામો લીધો, ત્યાંની સિસ્ટર્સ તો તેને આવકાર દેવાને ઘણી જ આતુર હતી અને તે ટોળીની આગતાસ્વાગતા કરવાથી તેમને ઘણો જ હર્ષ થયો. પૅરિસથી નીકળ્યા પછી માર્સેલ્સ જે બંદર હતું તે તરફ તેઓ ગયાં ત્યાં તેમને મુસાફરી માટે સર્વ સગવડ પડી, મજુરોએ કાંઈ પણ બક્ષીસ સ્વીકારી નહિ. વીશીઓના માલીકોએ ખાધા ખર્ચ પણ કાંઈ લીધું નહિ. લોકો તેમને મદદ કરવામાં માન સમજતા હતા. માર્સેલ્સથી તેઓ મોટી સ્ટીમરમાં બેસીને કોન્સ્ટેન્ટીનોપલ તરફ ગયાં, સમુદ્રને કાંઈ કેાઈ માટે લાગણી હોય છે ? એ તો સારાં નરસાં સર્વને સરખાં ગણે છે. સમુદ્ર ઘણો જ તેાફાની થયો હતો. પવન પણ પુષ્કળ હતો. ભૂમધ્યસમુદ્ર આગળ તો ઘણું સખત વાવાઝોડું થયું અને થોડીવાર તો વહાણ દહેશતમાં રહ્યું. છેવટ ઑક્ટોબરની ૩૧ મીએ તેઓ માલ્ટા પહોંચ્યાં અને થોડો વખત વિસામો લઈને સ્કયુટેરાઈ જવા પાછાં વહાણ હંકાર્યાં. મિસ નાઇટીંગેલ નવેમ્બરની ચોથી તારીખે સ્કયુટેરાઈ આવી પહોચ્યાં. તેને બીજે દિવસે ઈન્કરમેનની મ્હોટી લડાઈ થઈ અને ઇંગ્લીશનો તેમાં જય થયો, પરંતુ જયના પ્રમાણમાં ઘાયલ થયેલા લોકનું દુઃખ કેટલું અસીમ હતું તેનો ખ્યાલ કેાઈને નહેતો. આવું મહાભારત કામ કેાઈ પણ સ્ત્રીને અજાણ્યા દેશમાં આવતાં જ ઉપાડી નહિ લેવું પડયું હોય. ઈસ્પીતાળમાં પડેલા દર્દીઓએ આ ઇંગ્લીશ સ્ત્રીઓની આવવાની વાત સાંભળી હતી પણ કેાઈ તે માની શકતું નહોતું. જ્યારે મિસ નાઇટીંગેલ પહેલ વહેલાં તપાસ કરવા ગયાં ત્યારે સિપાઈઓની લાગણી અત્યંત ઉશ્કેરાઈ, એક માણસ તો ખરેખર તેમને જોઈને રડી જ પડયો. ઈંગ્લીશ સ્ત્રીઓ મદદે આવી એ વિચાર તેમને ઘણોજ આશ્રર્યકારક તેમ જ સંતોષકારક લાગ્યો.