પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
પ્રકરણ ૮ મું.

તે ઘા સરખા પણ કેાઇએ ધોઈને સ્વચ્છ કર્યા નહોતા ને હાડકાં ભાગ્યાં તુટયાંએ કેાઈએ જોયાં નહોતાં. આ બિચારા દુખીઆરા ભૂખ્યા તરસ્યા લોકનાં કષ્ટ અને વેદનાની કલ્પના કરવી પણ અશક્ય છે. ઈસ્પીતાળમાં દાખલ થયા પછીની તેમની નિરાશાનો પાર નહોતો. કારણ કે તેએાએ એવી જ આશા રાખી હતી કે ઈસ્પીતાળમાં તો કાંઈક ખોરાક અને સગવડ મળશે, પણ તે બિચારા રીબાતા લોકોનું દુઃખ ઘટાડવાને ત્યાં કાંઈ જ સાધન નહોતું. તે વખતનો એક ઇતિહાસકાર લખે છે કે માંદા માણસોને માટે પાણીનું કે ખાવા પીવાનાં મુદલ વાસણ નહોતાં. સાબુ, ટુવાલ કે ચીથરાં તો ક્યાંથી જ હોય ? દર્દીઓને પહેરવાને જુદાં લુગડાં પણ નહોતાં, સિપાઈઓ પોતાનો લશ્કરી પોષાક પહેરીને જ પડ્યા રહેતા ને તે એટલા ગંદા હતા કે તેનું વર્ણન કરતાં પણ કંપારી છુટે. તેમના અંગ ઉપર કીડા પડેલા હતા, તે કીડા ભીંતો ઉપર અને જમીન ઉપર પણ ચાલતા હતા, અને સધળે ઠેકાણે ગંદકી અને રોગનો ફેલાવો કરતા હતા. સ્વાભાવિક રીતે માંદા માણસો દાક્તરી મદદની આશા રાખે પણ આ ગરીબ લોકેાની છેક અંતની ઘડી સુધી કેાઈ દાદ ફરીઆદ જોતું નહિ. તેમનો છુટકારો મરણથી જ થતો. જેટલા ડાક્ટરો હતા તેટલા તો ખંતથી બેશુમાર મહેનત કરતા પણ તેમની સંખ્યા એટલી થોડી હતી કે પહેાંચી શકાય નહિ, માંદા માણસો માંહોમાંહી બને તેટલી એકએકની ચાકરી કરતા હતા.

મિસ નાઇટીંગેલ જયારે ચારે તરફ એકવાર ફરી આવ્યાં ત્યારે તેમની નજરે એટલો હૃદયભેદક દેખાવ ૫ડયો કે તેનો ચિતાર આપવો અશક્ય છે. દરેક બીછાને બીછાને ચેપી રોગે વાસ કર્યો હતો. ચાદરો ટાટાંની હતી ને તે એટલી જાડી હતી કે દરદીએા સમુળગી ચાદર વગર સુવાનું પસંદ કરતા. કાંઈ પણ તરેહનાં બીછાનાંનાં બીજાં સાધનો નહોતાં. દીવા બાળવાને જૂની ભાંગેલી શીશીએ વા૫રતા.