પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

આવનાર લોકોના અંગોપર ઘણાંજ ઝીણાં વસ્ત્ર હતાં. ક્રાઈમીઆની આટલી સખત ઠંડીથી રક્ષણ કરવાને તેમની પાસે કાંઈ જ સાધન નહોતાં. જ્યારે માંચીમાં સુવાડીને તેમને દાટવા લઈ જવામાં આવતા ત્યારે તેમનાં દીલ એટલાં ઠરી જતાં કે અંગનાં કપડાં પણ શરીર સાથે ચાંટી જતાં ને કાપી નાખવાં પડતાં. ઘણી વખત તો માણસનું માંસ અને તેમનાં કપડાં એકઠાં ઠરી જતાં હતાં અને પગ તો એટલા ઠરી જતા હતા કે જોડા એમને એમ તે કઢાય જ નહીં. જ્યારે થોડા થોડા કાપીને કાઢે ત્યારે તેથી ચામડી છોલાઈ જાય, માંસ અંદરથી નીકળી પડે, એવા અનેક ત્રાસદાયક દેખાવ નજરે પડતા હતા, પોલ્ટીસ મારે તે પણ કપડાં ઉપર થોડું તેલ છાંટીને નહિં તો કપડાં ઠરીને અંગ સાથે ચાંટી જાય. તે છતાં જયારે સ્હવારમાં પોલ્ટીસ કહાડે ત્યારે ચામડી સાથે ઉખડી આવે ને કોઈ કોઈ વાર તો દાકતર પોતાના હથિઆરનો ઉપયોગ કરે ત્યારે જ નીકળે. પગનાં અાંગળાં તો ઓળખાય નહિ એવાં થઈ જતાં."

સિબેસ્ટેપુલની ખીણોમાં આથી પણ ઘણું વધારે સંકટ પડતું તેનું યથાસ્થિત વર્ણન તો કરી શકાય જ નહિ, ત્યાં જઈ આવેલા સિપાઈઓ હજી પણ એટલી જ લાગણીથી ત્યાંની હકીકત કહી સંભળાવે છે. લોકો બંદુકના ગોળાથી બચવાને માટે ઠરી ગયેલી જમીનની અંદર ખાડા ખેાદીને રહેતા હતા તો ત્યાંએ ટાઢે ઠરી જતા.

ઠંડી એટલી સખત હતી કે લડતી વખતે બંદુકના ઘોડા પણ જલ્દીથી ખેંચી શકાતા નહિ. એક સિપાઈ બેલેકલેવામાં શીત થયેલો પડ્યો હતો, તેણે જ્યારે રાતમાં પાસુ બદલ્યું ત્યારે જાણ્યું કે તેના પગ એક બીજા સિપાઇના પગ સાથે સજ્જડ ઠરી ગયા હતા. આ અને બીજા અનેક રોગમાં સપડાએલા સેંકડો માણસો સ્ક્યૂટેરાઇની ધીચોઘીચ ભરાએલી હોસ્પીટલમાં દરરોજ આવતા હતા. એક રાતમાં સાઠ માણસો મરી જતા અને બે મહિના તો સેંકડે સાઠ માણુસો મરી જતા.