પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
પ્રકરણ ૧૦ મું.

ફ્લોરેન્સ નાઇટીંગેલ બધે ફરી વળતાં. મરણના બિછાના આગળ તે દર્દીઓને ધીરજ આપતાં અને ઇશ્વરનું ચિંતન કરાવતાં. દેહ અને આત્મા બન્નેની સરખી બરદાસ કરતાં. ઘણા સિપાઈઓએ મરતાં મરતાં પોતાને ઘેર કહેવાના સંદેશા તેમને કહેલા. અને પોતાની મા કે સ્ત્રીને સ્નેહસૂચક અંતની ભેટો આપવાની તે પણ તેમને જ સોંપેલી. આ સર્વ અંતની ઘડીના સંદેશા ચોક્કસ રીતે મિસ નાઇટીંગેલે પહોંચાડ્યા હતા તે સર્વ કોઈ જાણે છે.

રાત પડ્યા પછી જયારે દાક્તરો પાતાની તપાસ કરીને પરવારે ત્યારે આ 'લેડી ઈન-ચીફ' તેમનાં સાદાં કાળાં કપડાં પહેરી, ઉપર સફેદ વસ્ત્ર એાઢીને દરેકે દરેક ઓરડામાં અને ચારે તરફ ઓશરીમાં એક નહાનો દીવો હાથમાં લઈને ફરી આવતાં. એટલા થોડા પ્રકાશથી પણ તે જોઈ શકતાં કે ક્યો માણસ ઘણી પીડા ભોગવે છે, અથવા ક્યો માણસ મૃત્યુ સમીપ છે. અને તેવી જગ્યાએ તે ધીરજના બે બોલ કહેવા ઉભાં રહેતાં.

ફર્લોરેન્સ નાઇટીંગેલની ખરી હીંમત આ રાતની તપાસણીની ફેરી વખતે ઘણી માલૂમ પડી આવતી. એ વખતે ચારે તરફ શૂન્યકાર હોય, અને રોગથી પીડાતા માણસો નિંદ્રાને માટે ફાંફાં મારતા હોય, અને આકળવિકળ થતા હોય, ત્યારે ગમે તેવા શબ્દ શ્રવણથી બીક લાગે, કોઈ સનેપાતમાં ગમે તેમ બબડતું હોય, કોઇ પોતાને ઘેર જવાની બૂમ પાડતું હોય, કોઈને ઉધરસ આવતી હોય, કોઇને અત્યંત વેદના થતી હોય, કોઈને મૃત્યુની યાતના થતી હોય-આવા સર્વ અવાજ મિસ નાઇટીંગેલ જ્યારે પોતાનો નહાનો દીવો લઈને ફરતાં ત્યારે તેમને કાને પડતા. આવો અનુભવ એક વાર થાય તો એ જન્મપર્યંત સાંભરે; પણ આ તો દરરોજ રાત્રે, અઠવાડીઆં ને અઠવાડીઆં સુધી, મહિના અને મહિના સુધી આ કુમારિકાને કાને પડતા, અને તે છતાં રીબાતા લોકેાનું કષ્ટ ઓછું કરવાને તેમણે હીંમત છોડી નહિ. ધન્ય છે આવી બહાદુર નારીને !