પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના.




મિસ નાઇટીંગેલના નામથી ભાગ્યેજ કોઈ અજાણ્યું હશે. માંદા અને રણક્ષેત્રમાં ઘાયલ થએલાં મનુષ્ય પ્રત્યે તેમણે જે મહાન સેવા બજાવી છે, તેને લીધે તેમનું નામ આખા જગતમાં વિખ્યાત થયું છે.

આવી પ્રસિદ્ધ નારીના જીવનનો ઇતિહાસ જાણવાની સ્વાભાવિક આકાંક્ષા હોય. ગુજરાતી ભાષામાં એનો વૃત્તાંત હજી સુધી પ્રગટ થયો નથી; એની દયાની લાગણી તથા દૃઢતા અને ધૈર્યનો ખ્યાલ ગુજરાતી ભગિનીઓને આવે અને તેમની દયાની વૃત્તિઓ ખરે માર્ગે દોરાય તે હેતુથી આ પુસ્તક લખાયું છે.

દુ:ખી માણસનું દુઃખ નિવારણ કરવું એજ ખરી દયાનું કામ છે, દરદીની જો સારી સારવાર થાય તો કીંમતી દવા કરતાં ઘણો વધારે ફાયદો થાય છે. નર્સીંગ (સારવાર) ના કામમાં ઘણી નરમાશ, મિઠાશ, ધીરજ, ચંચળતા, દક્ષતા, અને સુશિલતા વગેરે સદ્‌ગુણો જોઈએ છીએ, અને આ સર્વ ગુણો સ્વાભાવિક રીતે સ્ત્રી જાતિમાં વધારે છે. સ્ત્રીનું સ્ત્રીત્વજ એમાં સમાએલું છે. તે દરેક સ્ત્રીએ તેનો ઉપયોગ સન્માર્ગે શા માટે ના કરવો ?

યુરોપ વગેરે સુધરેલા દેશોમાં કેળવાએલી સ્ત્રીઓ માવજત કરવાનો ખાસ ધંધો કરે છે, અને કેટલીએક કુળવાન સ્ત્રીઓ માત્ર ઈશ્વર પ્રિત્યર્થે આ પરોપકારનું કામ પોતાના જાતિ સુખનો ત્યાગ કરીને કરે છે.

દિલગીરીની વાત છે કે આપણા દેશની સ્ત્રીઓ હજી આ મહાન પરોપકારના કાર્યની આટલી અવગણના કરે છે.