પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૦
મિસ ફ્લૉરેન્સ નાઈટીંગલનું જીવનચરિત.

બે વર્ષ થઈ ગયાં તેથી એ તો ઐતિહાસિક બીના જેવી થઈ ગઈ છે. લશ્કરી સિપાઈઓ પાછા બળવાન થયા છે. સર્વે પોતપાતાની નોકરીએ પાછા જોડાયા છે, અને હોસ્પીટલો ખાલી થઈ ગઈ છે. પરંતુ “દયાની દેવી” (મિસ નાઇટીંગેલ) હજી પોતાનું કામ આટોપી લેવામાં રોકાયાં છે. સ્ક્યુટેરાઈમાં જે જગ્યાએ મૃત્યુ પામતા સિપાઈઓ તેમનાં પગલાંના અવાજનું શ્રવણ કરવાને કે માત્ર તેમની છાયાની એક દૃષ્ટિ માટે આતુર રહેતા હતા તે જગ્યા હાલ વેરાન જેવી પડી રહી છે. તે પોતે તો લોકેાની દૃષ્ટિથી હાલ દૂર જ રહેવાનો પ્રયત્ન કરે છે કેમકે એમને લોકોમાં પ્રસિદ્ધિ મેળવવાની આકાંક્ષા જરાએ નથી.”

લૉર્ડ એલીસમીઅરની આ કલ્પના તદ્દન સત્ય હતી. સરકાર તરફથી તેમને ઇંગ્લેંડ આવવા માટે એક વહાણ મોકલવાનો બંદોબસ્ત કર્યો પણ તેમણે તે સ્વીકારવાની ના પાડી. અને એક ફ્રેંચ વહાણમાં બેસીને માર્સેલ્સ (ફ્રાન્સમાં) આવી પહોંચ્યાં. ફ્રાન્સમાં તેમણે રાતની વખતે જ મુસાફરી કરી. પેરીસમાં માત્ર તેમના જુના મિત્ર ”સિસ્ટર્સ ઓફ સેન્ટ વિન્સેંટ'ને મળવા માટે ઉતર્યાં, અને ત્યાર પછી તેમની માસીની સાથે મિસ સ્મિથને છુપે નામે ઈંગ્લંડમાં આવી પહોંચ્યાં. પોણા બે વર્ષ સુધી તે બહાર ગામ રહ્યાં તેટલામાં તેમના જીવનમાં કેટલા બધા નવા અણચિંતવ્યા બનાવો બન્યા હતા તેની ગણત્રી કરવી મુશ્કેલ છે.