પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

શરો મળ્યો હતો. આવી રીતે અનેક પરમાર્થનાં કામ તેમણે ઘરમાં બેઠે બેઠે કર્યા હતાં.

જ્યારે ઇ. સ. ૧૮૫૪ માં લોકોને કાને તેમનું નામ પહેલવહેલું પડયું ત્યારે તો તેમને વિષે કોઈને કાંઈ ખબર નહોતી. પણ હવે જ્યારે બધાંને માલૂમ પડયું કે એતો એક ઘણા જ ધનવાન અને આબરૂદાર ગૃહસ્થનાં પુત્રી છે ત્યારે તો તેમની પાસે પૈસાની મદદ અસંખ્ય લોકોએ માગવા માંડી. સહુને સરખી તો કાંઈ તેમનાથી મદદ કરી શકાય જ નહિ, પણ તેમનાથી બન્યું તેટલું કર્યું.

તેમના ફંડની સર્વ વ્યવસ્થા કરવાને ટ્રસ્ટીઓ નીમ્યા, કારણ કે તેમની તબિયત તો ઘણીજ અશક્ત હતી. કોઇ કોઈ વખત તે ફક્ત તેમાં સલાહ આપતાં, અને અંતઃકરણથી નર્સીંગના કાર્યને ફતેહ ઈચ્છતાં.

ઇંગ્લંડની સ્ત્રીઓ તે વખતે નર્સનો ધંધો કરવાને ઘણી આતુર નહોતી, કારણ કે બધા લોકો સ્ત્રીઓ કાંઇ પણ ધંધો કરે તે મતની વિરૂદ્ધ હતા. જુવાન છોકરીએાનાં માબાપ પણ તેમને શીખવા મોકલતાં ડરતાં હતાં, કોઈ કહેતાં કે ગૃહસ્થની સ્ત્રીને એવું કામ છાજે જ નહિ, ને એ કામથી તો સુગ લાગે, અને તેમની ગૃહસ્થાઇને નાનમ લાગે.

મિસ નાઇટીંગેલ વારંવાર આવી તરેહની ચર્ચા અને તકરારોના જવાબ શાંતપણે વાળતાં હતાં અને સ્ત્રીઓને તથા તેમનાં માતાપિતાને સમજાવતાં કે નર્સીંગનું કામ જો અંત:કરણથી લાગણીપૂર્વક કરશો તો ઘણું જ પુણ્ય થશે. કારણ કે એ મહાન પરોપકારનું કાર્ય છે. દુઃખીનાં દુ:ખ નિવારણ કરશો તો તમારો આત્મા પ્રસન્ન થશે. સ્ત્રીઓ આળસમાં વ્યર્થ કાળ ગાળે છે, અને ઘણીક સ્ત્રીઓ વિના કારણે પરાધીનપણાનું દુઃખ વેઠે છે, ત્યારે આવાં કામમાં આગળ પડવાથી નુકશાન શું છે ? એ ધંધામાં પૈસા પણ મળે ને ઉઘમ પણ મળે માત્ર સારા કુળની સ્ત્રીઓ એ કાર્ય ઉપાડી લે તો કાર્યને ધણું જ ઉત્તેજન મળે.