પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સામાન્ય પ્રસ્તાવના

પોતાની સ્વતંત્રતાના ઘડવૈયા પ્રત્યેનું રાષ્ટ્રનું ઋણ અદા થવું જોઈએ એટલી જ બુદ્ધિથી નહીં, ભાવી પ્રજાના હિતને ખાતર પણ મહાત્મા ગાંધીનાં લખાણો, ભાષણો અને પત્રો ભેગાં એક જ ઠેકાણેથી મળી શકે એવી રીતે સંઘરાવાં જોઈએ એવી પ્રતીતિને કારણે તે બધાંને એકઠાં કરી ગ્રંથાકારે પ્રસિદ્ધ કરવાની આ યોજના ભારત સરકારે ઉપાડી છે.

દિવસાનુદિવસ અને વર્ષાનુવર્ષ ગાંધીજીએ જે કાંઈ કહ્યું અને લખ્યું તે બધું આ ગ્રંથશ્રેણીમાં એકત્ર કરવાનો ઇરાદો રાખવામાં આવ્યો છે. તેમનું કાર્ય એક આખા અર્ધા સૈકા પર ફેલાયું હતું અને આપણા પોતાના દેશ ઉપરાંત બીજા દેશો પર પણ તેનો પ્રભાવ પડયો છે. દુનિયાભરમાં થઈ ગયેલા ઘણા ઓછા મહાપુરુષોએ જીવનના અનેકવિધ સવાલોમાંથી આટલા બધા વિધવિધ સવાલોમાં પોતાનું ધ્યાન પરોવ્યું હશે. પોતે જે માનતા તેનો વહેવારમાં અમલ કરવાને પ્રતિક્ષણ મથામણ કરતા. જેમણે તેમને આ પૃથ્વી પર દેહ ધરીને વિચરતા જોયા છે તે લોકોની, જેમને તેમનાં પ્રત્યક્ષ દર્શન તેમ જ ઉદાહરણથી જાણવા-શીખવાનો લહાવો મળી શકે એવો નથી એવી ભાવિ પેઢીઓને, તેમની એકંદર શીખનો સમૃદ્ધ વારસો જેવો હોય તેવો અણિશુદ્ધ અને બની શકે તેટલા પ્રમાણમાં પૂરેપૂરો અકબંધ સોંપવાની ફરજ છે.

૧૮૮૪થી ૧૯૪૮ના લાંબા ગાળામાં અને લગભગ સાઠ વરસના ઉગ્ર કર્મશીલ જાહેર જીવન દરમિયાન ગાંધીજીએ લખાણો અને ભાષણો કર્યા છે અને પત્રો લખ્યા છે. તે બધાં દુનિયાભરમાં અને ખાસ કરીને હિંદુસ્તાન, ઇંગ્લંડ અને દક્ષિણ આફ્રિકા એ ત્રણ દેશોમાં વેરાયેલાં પડયાં છે.

એ બધાં લખાણ અને ભાષણ પોતાના જીવનકાળમાં તેમણે જે પુસ્તકો લખ્યાં અથવા જે પ્રસિદ્ધ થયાં તેમાં સંઘરાયેલાં પડયાં છે એટલું જ નથી, ધૂળ ખાતી ફાઈલોમાં, સરકારી દફતરોમાં તેમ જ પ્રકાશનોમાં અને અંગ્રેજી, ગુજરાતી તેમ જ હિંદી ભાષાનાં જૂનાં વર્તમાનપત્રો ને સામયિકોના ઢગલાઓમાં પણ છે. તેમના પત્રો ઊંચી અને નીચી ગણાતી, તવંગર અને ગરીબ, દરેક જાતિની અને ધર્મની અગણિત વ્યક્તિઓની પાસે આખી દુનિયામાં છે. આવી બધી સામગ્રી નાશ પામે અગર રવડી જાય તે પહેલાં એકઠી કરી લેવાનું જરૂરી છે.

તેમનાં લખાણો અને ભાષણોના કેટલાક સંગ્રહો અથવા વધારે સાચી રીતે ઓળખાવીએ તો સંપાદિત પુસ્તકો બેશક મોજૂદ છે. તેમાંનાં ઘણાં ખાસ કરીને ખુદ ગાંધીજીએ સ્થાપેલા ટ્રસ્ટના વહીવટમાં ચાલતા અમદાવાદના નવજીવન પ્રકાશન મંદિરે પ્રસિદ્ધ કર્યા છે. એ બધાં પ્રકાશનો કીમતી એટલે કે ઉપયોગી છે એ સાચું, પણ તેમાંનાં ઘણાંખરાં ગાંધીજીએ જે દરમિયાન હિંદુસ્તાનમાં કાર્ય કર્યું તે સમય પૂરતાં અને મુખ્યત્વે તેમનાં પોતાનાં नवजीवन, यंग इन्डीया અને हरिजन સાથે સંકળાયેલાં અઠવાડિકોમાં જે પ્રસિદ્ધ થતું તેટલા પૂરતાં મર્યાદિત છે. વળી, મોટે ભાગે એ બધાં લખાણો તેમ જ ભાષણોની ગોઠવણી જુદા જુદા વિષયવાર થયેલી હોવાથી કેટલીક વાર જે તે વિષયને પ્રસ્તુત હોય તેવાં લખાણ કે ભાષણમાંના ઉતારા લઈ તેના બીજા ભાગ તેમાં છોડી દેવામાં આવ્યા છે.

પત્રોની બાબતમાં એવું બન્યું છે કે પોતાનાથી મેળવી શકાય તેટલા એકઠા કરી તેમની છબી ઉતારી લઈ ગાંધી સ્મારક નિધિએ ઘણી ઉપયોગી કામગીરી બજાવી છે, પણ તે હજી પ્રસિદ્ધ