પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
२१

હિતો દલીલને નમતું ન આપે ત્યારે સત્યાગ્રહ કરવાની અથવા કોઈક પ્રકારનું સીધું પગલું ભરવાની જરૂર ઊભી થાય છે.

આ પુસ્તકમાં જે ગાળાનાં લખાણો વગેરે સમાવવામાં આવ્યાં છે તે દરમિયાન ગાંધીજીની ઉંમર માત્ર વીસથી ત્રીસની વચ્ચેની હતી એ બીના વાચકે ખ્યાલમાં રાખવા જેવી છે. એ બધાં લખાણો તેમ જ ભાષણો સહેજે નજરે ચડે તેવો સંયમ અને અતિશયોક્તિનો અભાવ, સત્યને વળગી રહેવાની ચીવટ, અને સામાની દૃષ્ટિને પૂરો ન્યાય કરવાની આકાંક્ષા એ બધાં તેમના આખાયે જીવન દરમિયાન તેમનામાં રહેલાં લક્ષણો બરાબર પ્રગટ કરે છે.

૧૮૯૩ની સાલથી માંડીને ૧૯૧૪ની સાલ સુધીના ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના કાર્યને લગતી વિગતો સમજવામાં સામાન્યપણે ઉપયોગી થાય તેટલા ખાતર દક્ષિણ આફ્રિકાના રાજબંધારણના માળખા પર એક નોંધ, દક્ષિણ આફ્રિકાની તવારીખ, ત્યાંના ઇતિહાસની ભૂમિકા, અને એક નાતાલનો ને બીજો દક્ષિણ આફ્રિકાનો એમ બે નકશા પુસ્તકમાં આપવામાં આવ્યા છે.

ગાંધીજીનું જીવનચરિત્ર ટૂંકમાં આપવાનું કાર્ય આ પુસ્તકશ્રેણીના કાર્યની મર્યાદામાં ન હોવાથી પુસ્તકમાં આપવામાં આવેલી કાલાનુક્રમણિકામાંથી જન્મથી માંડીને આ પુસ્તકમાં આપવામાં આવેલાં લખાણોની છેલ્લામાં છેલ્લી તારીખ સુધીના ગાંધીજીના જીવનનો તેમ જ કાર્યનો વાચકને ખ્યાલ આવે તેવી કોશિશ કરવામાં આવી છે.

આ પુસ્તકમાં લેવામાં આવેલી સામગ્રી સારુ પોતાનાં પુસ્તકો તેમ જ ગાંધીજીના પત્રો ને બીજાં પ્રસિદ્ધ ન થયેલાં ગાંધીજીનાં લખાણોની છબીઓના સંગ્રહવાળા ઉપયોગી પુસ્તકાલય તેમ જ સંગ્રહાલયનો અમને છૂટથી ઉપયોગ કરવા દેવાને માટે નવી દિલ્હીમાં આવેલા ગાંધી સ્મારક નિધિના અમે આભારી છીએ. તેવી જ રીતે દક્ષિણ આફ્રિકાનાં છાપાંઓની કાપલીઓ, ત્યાંની સરકારનાં પ્રકાશનો, અને તે ઉપરાંત ગાંધીજીના પત્રો અને તેમણે દક્ષિણ આફ્રિકામાં વખતોવખત બહાર પાડેલાં લખાણો જેવી મૂલ્યવાન સામગ્રીનો ઉપયોગ કરવા દેવાને માટે અમે સાબરમતી આશ્રમ સંરક્ષણ અને સ્મારક ટ્રસ્ટના ઋણી છીએ.

જરૂરી સામગ્રી મેળવવાને પોતાનાં પુસ્તકાલયોમાં તેમ જ જૂનાં દફતરો સંઘરવાના ખંડોમાં અમારા લંડનમાં કાર્ય કરતા મદદનીશને સંશોધન કરવાની સગવડ આપવાને માટે લંડનની સંસ્થાનોની કચેરી, બ્રિટિશ મ્યુઝિયમ, અને લંડન વેજિટેરિયન સોસાયટીની ઓફિસનો પણ અમારે આભાર માનવાનો છે.

સામગ્રી એકત્ર કરવામાં જરૂરી સગવડ આપવાને માટે અમે કલકત્તાની નેશનલ લાઇબ્રેરીના અને કલકત્તા, મુંબઈ ને મદ્રાસમાં આવેલી છાપાંઓની ઓફિસોના ઋણી છીએ.

અમદાવાદમાં આવેલું ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય, નવી દિલ્હીમાં આવેલી એ.આઈ. સી.સી.ની લાઇબ્રેરી અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ ઍફેર્સ લાઈબ્રેરી, દિલ્હી યુનિવર્સિટી લાઈબ્રેરી (ડિપાર્ટમેન્ટ ઓફ આફ્રિકન સ્ટડીઝ), દિલ્હીમાં અને મુંબઈમાં આવેલી યુ.એસ.આઈ.એસ. લાઈબ્રેરીઓ, મુંબઈમાં આવેલી યુનિવર્સિટી લાબ્રેરી અને એશિયાટિક સોસાયટી લાઈબ્રેરી એ બધી સંસ્થાઓએ અમને માહિતી અને મદદ મેળવવામાં સગવડ આપી તે માટે અમે તેમના આભારી છીએ.

પુસ્તકમાંની બાબત નં. ૩, પ, ૬ અને ૧૩ અને પા. ૯૭ની સામેની છબીને માટે અમે શ્રી ડી. જી. તેન્ડુલકર અને महात्माના પ્રકાશકોના અને લખાણોની છબીઓ માટે ગાંધી સ્મારક નિધિના ઋણી છીએ.