પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંધીજીનો અક્ષરદેહ

માંડી વાળવાને કહ્યું. પણ મેં તેવું કર્યું નહીં. એ પછી તે રાજકોટના હિઝ હાઈનેસ ઠાકોરસાહેબને [૧] મળ્યા અને તેમને મને નાણાંની મદદ કરવાની વિનંતી કરી. પણ ત્યાંથી કશી મદદ મળી નહીં. પછી હું છેવટનો એક વાર ઠાકોરસાહેબને અને કર્નલ વૉટસનને મળ્યો. કર્નલે મને પરિચયનો કાગળ આપ્યો ને ઠાકોરસાહેબે પોતાની છબી આપી. અહીં મારે નોંધવું જોઈએ કે આ ગાળા દરમિયાન ત્રાસી જવાય એવી જે ખુશામત મારે કરવી પડી તેથી મને બહુ ગુસ્સો આવતો. ગમે તે વાત માની લેનારા મારા ભોળા વહાલા ભાઈનો વિચાર મારે કરવાનો ન હોત તો હું આવી હડહડતી ખુશામતમાં પડયો ન હોત. આખરે ઑગસ્ટની દસમી તારીખ આવી અને મારા ભાઈ, શેખ મહેતાબ, શ્રી નાથુભાઈ, ખુશાલભાઈ અને હું રાજકોટ છોડીને નીકળ્યા.

રાજકોટથી મારે મુંબઈ જવાનું હતું. તે શુક્રવારની રાત હતી. નિશાળમાં મારી સાથે ભણનારા વિઘાર્થીઓએ મને માનપત્ર આપ્યું. માનપત્રનો જવાબ આપવાને હું ઊભો થયો ત્યારે મને બહુ ગભરાટ થયો.[૨] મારે જે કહેવાનું હતું તે કહેતાં હું અડધે આવ્યો ત્યારે ધ્રૂજવા માંડયો. હિંદ પાછો ફર્યા બાદ હું ફરી એવું નહીં કરું એવી મને આશા છે પણ આગળની વાતની ચર્ચા છોડી મારે જે નોંધવાનું છે તે જ લખવું સારું. તે રાતે મને વિદાય આપવાને ઘણા લોકો આવ્યા હતા. તેમાં ભાઈઓ કેવળરામ, છગનલાલ (પટવારી), વ્રજલાલ, હરિશંકર, અમૂલખ, માણેકચંદ, લતીબ, પોપટ, ભાણજી, ખીમજી, રામજી, દામોદર, મેઘજી, રામજી કાળીદાસ, નારણજી, રણછોડદાસ, મણિલાલ હતા. જટાશંકર વિશ્વનાથ અને બીજા પણ હતા. પહેલું સ્ટેશન ગોંડળ આવ્યું. ત્યાં ડૉ. ભાઉને મળ્યા ને ત્યાંથી કપૂરભાઈને સાથે લીધા. નાથુભાઈ જેતપુર સુધી સાથે રહ્યા. ધોળા સ્ટેશને ઉસ્માનભાઈ અમને આવી મળ્યા અને વઢવાણ સુધી સાથે આવ્યા. ધોળા સ્ટેશને ભાઈઓ નારણદાસ, પ્રાણશંકર, નરભેરામ, આણંદરાય અને વ્રજલાલ વિદાય આપવાને આવ્યા હતા.

એકવીસમી તારીખને દિવસે મારે મુંબઈથી નીકળવાનું હતું. પણ મુંબઈમાં મને જે વિઘ્ન નડયાં તેનું વર્ણન કર્યું જાય એમ નથી. મારા ન્યાતીલાઓએ મને આગળ જતો રોકવાને થાય તે બધું કર્યું. તેમાંના લગભગ બધા જ સામે હતા. અને આખરે મારા ભાઈ ખુશાલભાઈ અને ખુદ પટવારીએ સુધ્ધાં મને ન જવાની સલાહ આપી. પણ મેં તેમની સલાહ કાને ન ધરી. પછી દરિયાના તોફાનની વાતને બહાને મારું નીકળવાનું લંબાયું. એ પછી મારા ભાઈ અને બીજા બધા પાછા ગયા. પણ ૧૮૮૮ની સાલના સપ્ટેમ્બર માસની ૪થી તારીખે મેં એકાએક મુંબઈ છોડયું. એ વખતે ભાઈઓ જગમોહનદાસ, દામોદરદાસ અને બેચરદાસનો મારા પર બહુ ઉપકાર થયો. શામળજીનો તો હું પાર વગરનો ઋણી છું અને રણછોડલાલે[૩] મારે સારુ જે કરેલું તે તો હું જાણતો પણ નથી. તે ઉપકાર કરતાં પણ કંઈક વિશેષ હતું. ભાઈઓ જગમોહનદાસ, માનશંકર, બેચરદાસ, નારાયણદાસ પટવારી, દ્વારકાદાસ, પોપટલાલ, કાશીદાસ, રણછોડલાલ, મોદી, ઠાકોર, રવિશંકર, ફિરોજશાહ, રતનશાહ, શામળજી અને બીજા થોડા સ્ટીમર क्लाईड પર મને વળાવવાને આવ્યા. એમાંથી પટવારીએ મને પાંચ રૂપિયા આપ્યા, શામળજીએ પણ એટલા જ આપ્યા, મોદીએ બે આપ્યા, કાશીદાસે એક આપ્યો, નારણદાસે બે આપ્યા, અને બીજા થોડા લોકોએ

  1. ૧. રાજકેાટના રાજા.
  2. ૨. પાછળ પા. ૧ જોવું.
  3. ૩. રણછોડલાલ પટવારીને ગાંધીજી સાથે ધણે ધાડે સંબંધ હતો અને તેમની સાથે ગાંધીજીનેપત્રવહેવાર ચાલતા. પટવારીના પિતાએ તેમને ઇંગ્લંડ જવાને નાણાંની મદદ કરેલી.