પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
ગાંધીજીનો અક્ષરદેહ

સૈયદ સુએઝ નહેરને લીધે હસ્તીમાં આવ્યું છે. અમે સાંજે પોર્ટ સૈયદમાં લંગર નાખ્યું. વહાણ ત્યાં એક કલાક રોકાવાનું હતું, પણ પોર્ટ સૈયદ જોવાને એક કલાક પૂરતો હતો. હવે અંગ્રેજી ચલણ શરૂ થયું હિંદુસ્તાનનું નાણું અહીં બિલકુલ કામ આવતું નથી. દરેક હોડીનું ભાડું છ પેન્સ છે. એક પેનીની કિંમત એક આનો થાય. પોર્ટ સૈયદમાં મકાનોની રચના ફ્રેન્ચ ઢબની છે. અહીં આપણને ફ્રેન્ચ રહેણીકરણીનો ખ્યાલ મળે છે. અહીં અમે કેટલાંક કૉફી રેસ્ટોરાં જોયાં. પહેલાં મને લાગ્યું કે એ નાટકનાં થિયેટર છે. પણ એ તો કૉફીની હોટલ હતી. ત્યાં બેસીને તમે એક બાજુથી કૉફી કે સોડા કે ચા કે બીજું કોઈ પીણું પીઓ અને બીજી બાજુથી સંગીત સાંભળો. કેટલીક સ્ત્રીઓ ફિડલ બૅન્ડ બજાવે છે. આ જગ્યાઓ જે કાફે નામથી ઓળખાય છે તેમાં મુંબઈમાં લેમનેડની એક બાટલી આપણને એક પેનીથીયે ઓછામાં મળે છે તેની બાર પેન્સ કિંમત આપવી પડે છે. ઘરાકોને સંગીત મફત સાંભળવાનું મળે છે એમ કહેવાય છે. પણ ખરેખર એવું નથી. સંગીત પૂરું થાય એટલે રૂમાલથી ઢાંકેલી એક થાળી હાથમાં લઈ એક સ્ત્રી ફરીને દરેક ઘરાકની આગળ ધરે છે. એનો અર્થ એ કે તમારે તેને કંઈક આપવું જોઈએ અને આપણને આપવાની ફરજ પડે. અમે કાફેમાં ગયા ત્યાં અમે તેવી સ્ત્રીને છ પેન્સ આપ્યા. પોર્ટ સૈયદ કેવળ મોજમજા ઉડાવવાનું સ્થળ છે. ત્યાંનાં પુરુષો ને સ્ત્રીઓ બડાં ચાલાક હોય છે. તમને જુદી જુદી જગ્યાઓ બતાવવાને દુભાષિયો તમારી પાછળ પાછળ ફરે છે. પણ તમારે હિંમતથી તેને કહેવું કે તારી જરૂર નથી. પોર્ટ સૈયદ રાજકોટના પરાથી મોટું નથી. સાંજે સાત વાગ્યે અમે પોર્ટ સૈયદ છોડયું.

અમારી સાથેના સફરીઓમાંના એક મિ. જેફ્રિસ મારી સાથે બહુ માયાળુપણે વર્ત્યા. તે હંમેશ મને કહેતા કે ટેબલ પર જા ને તે પરથી કંઈક ખા. પણ હું ન જતો. તેણે મને વળી કહ્યું કે બ્રિન્ડિસી છોડ્યા પછી તને ટાઢ લાગશે. પણ તેવું નહોતું. ત્રણ દિવસ બાદ રાત્રે અમે બ્રિન્ડિસી પહોંચ્યા. બ્રિન્ડિસીનું બારું રળિયામણું છે. આગબોટ છેક કિનારાને અડીને ઊભી રહે છે અને ત્યાં રાખવામાં આવેલી એક નિસરણીથી તમે કાંઠે ઊતરી પડો છો. [અંધારું] હોવાથી બ્રિન્ડિસી હું ઝાઝું જોવા ન પામ્યો. ત્યાં બધા ઈટાલિયન બોલે છે. બ્રિન્ડિસીના રસ્તા પર પથ્થર જડેલા છે. તેના મહોલ્લા ઢાળવાળા છે. તે પર પણ પથ્થર જડેલા છે. દીવાબત્તીને માટે ગેસ વપરાય છે. અમે બ્રિન્ડિસીનું રેલવે સ્ટેશન જોયું. બી. બી. એન્ડ સી. આઈ. રેલવેનાં સ્ટેશનો જેટલું તે સુંદર નહોતું. પણ રેલવે ગાડીના ડબ્બા આપણા ડબ્બાઓ કરતાં ઘણા મોટા છે. વાહનવહેવાર અને અવરજવર સારાં હતાં. તમે બ્રિન્ડિસી ઊતરો અને કાળા માણસ હો તો કોઈ માણસ તમને આવીને કહેશે : "સાહેબ, ત્યાં ચૌદ વરસની સુંદર છોકરી છે. મારી પાછળ આવો એટલે હું તમને ત્યાં લઈ જઈશ; દામ કંઈ વધારે નથી, સાહેબ!" આથી તમે એકદમ ગૂંચવાડામાં પડી જાઓ છો. પણ એ વખતે શાંત રહી હિંમતથી જવાબ આપવો કે મારે તેની જરૂર નથી. વળી તે માણસને ચાલી જવા જણાવવું એટલે તમે સલામત રહેશો. તમને કોઈ મુશ્કેલી આવે તો તમારી પાસેનાં પોલીસ સિપાઈને એકદમ મળવું અથવા પાસે જ જે મોટું મકાન તમારા જોવામાં આવ્યા વગર નહીં રહે તેમાં જઈને પૂછવું. તેમાં પેસતાં પહેલાં જોકે મકાન પરનું નામ વાંચી લેવું અને તે સૌને માટે ખુલ્લું છે કે નહીં તેની ખાતરી કરી લેવી. અાની તમને એકદમ ખબર પડી જશે. ત્યાં ઊભેલા દરવાનને તમે મુશ્કેલીમાં છો એટલું જણાવશો કે તાબડતોબ તે તમને તમારે શું કરવું તે જણાવશે. તમારામાં જરૂરી હિંમત હોય તો દરવાનને તમારે તમને વડા અમલદાર પાસે લઈ જવાને કહેવું અને તેને તમારી મુશ્કેલી જણાવવી. મોટું