પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
લંડન ડાયરીમાંથી

મકાન મેં કહ્યું તેનો અર્થ એ સમજવાનો છે કે ટૉમસ કૂક, અથવા હેનરી કિંગ કે એવા જ કોઈક એજન્ટનું છે. તે લોકો તમારી સંભાળ લેશે. આવે પ્રસંગે કંજૂસાઈ ન કરવી. દરવાનને કંઈક આપવાને ચૂકવું નહીં. પણ તમને કંઈક જોખમ જેવું લાગે ત્યારે જ આ રસ્તો લેવો. આવાં મકાનો જોકે માત્ર કાંઠા પર તમારા જોવામાં આવશે. કાંઠાથી દૂર અંદર હો તો તમારે પોલીસના સિપાઈને શોધી કાઢવો સારો અને તે ન જડે તો તમારું અંતર કહે તેમ કરવું. સવારમાં વહેલા અમે બ્રિન્ડિસી છોડયું.

ત્રણેક દિવસ બાદ અમે માલ્ટા પહોંચ્યા. બપોરે આશરે બે વાગ્યે વહાણે લંગર નાખ્યું. ત્યાં તેને લગભગ ચાર કલાક રોકાવાનું થવાનું હતું. મિ. અબદુલ મજીદ અમારી સાથે આવનાર હતા. પણ કોણ જાણે કેમ તે બહુ મોડા પડયા. મને નીકળવાની તાલાવેલી લાગી હતી. મિ. મજમુદારે કહ્યું, "મિ. મજીદને માટે થોભ્યા વગર આપણે એકલા નીકળી જઈશું?" મેં કહ્યું : "જેવી તમારી મરજી. મારે વાંધો નથી." એટલે પછી અલબત્ત, અમે એકલા નીકળી પડયા. અમે પાછા આવ્યા ત્યારે અબદુલ મજીદ અમને મળ્યા અને તેણે કહ્યું કે તમે લોકો ચાલી ગયા તેથી મને દુ:ખ થયું એટલે મિ. મજમુદારે કહ્યું : "આ ગાંધીને જવાની અધીરાઈ હતી ને તેણે મને તમારે માટે ન થોભવાને કહેલું." મિ. મજમુદારના આવા વર્તનથી મને ઘણું માઠું લાગ્યું. પણ મારા પર થયેલો આક્ષેપ ધોઈ કાઢવાનો પ્રયત્ન કરવાને બદલે મેં તે બોલ્યા વગર ઓઢી લીધો. હું જોકે જાણતો હતો કે અબદુલ મજીદને મેં એટલો જ ઇશારો કર્યો હોત કે, "મિ. મજમુદારને ખરેખર જ તમારે માટે થોભવું હતું તો મેં કહ્યું તેમ તેમણે કરવું નહોતું." તો મારા પરનો આક્ષેપ ધોવાઈ જાત. અને મને લાગે છે કે અમે વહેલા ચાલી ગયા તેમાં મારો કંઈ હાથ નહોતો એવી મિ. અબદુલ મજીદને ખાતરી કરાવવાને એટલો ઇશારો તદ્દન પૂરતો થાત. પણ તે વખતે મારો એવું કંઈ કરવાનો વિચાર નહોતો. તે દિવસથી જોકે મિ. મજમુદારને માટે મારા મનમાં હલકો અભિપ્રાય બંધાઈ ગયો અને તેમને વિશે મને સાચો આદર રહ્યો નહીં. વળી, બીજી પણ બેત્રણ વાતો એવી બની કે જેથી મજમુદાર તરફનું મારું આકર્ષણ દિવસે દિવસે ઘટતું ગયું.

માલ્ટા જોવાલાયક સ્થળ ગણાય છે. ત્યાં જોવા જેવી ચીજો ઘણી છે પણ અમારી પાસે વખત પૂરતો નહોતો. પહેલાં હું કહી ગયો તેમ મિ. મજમુદાર અને હું બંને કાંઠા પર ગયા. અહીં અમને એક મોટો ઠગ આવી મળ્યો. અમારે મોટી ખોટ ખમવી પડી. અમે હોડીનો નંબર લઈ લીધો અને શહેર જોવાને ગાડી ભાડે કરી. પેલો ઠગ અમારી સાથે હતો. અર્ધોએક કલાક ગાડી હંકાર્યા બાદ અમે સેંટ જુઆનના દેવળે પહોંચ્યા. દેવળની બાંધણી મજાની છે. ત્યાં અમે કેટલાક ઊંચા દરજજાના લોકોનાં હાડપિંજર જોયાં. તે ઘણાં પ્રાચીન હતાં. દેવળ ફરીને બતાવનાર મિત્રને અમે એક શિલિંગ આપ્યો. દેવળની બરાબર સામે સેંટ જુઆનનું પૂતળું હતું. ત્યાંથી શહેરમાં ગાડી હંકાવી. રસ્તાઓ પર પથ્થર જડેલા હતા. રસ્તાની બંને બાજુ માણસોને ચાલવાને માટેની પથ્થર જડેલી પગથીઓ હતી. બેટ ઘણો સુંદર છે. તે પર ઘણી આલીશાન ઈમારતો છે. અમે આર્મરી હૉલ [શસ્ત્રાગાર] જોવા ગયા. એ હૉલ સરસ શણગારેલો હતો. ત્યાં અમે ઘણાં પ્રાચીન ચિત્રો જોયાં. એ ચિત્રો પીંછીથી ચીતરેલાં નહોતાં, પણ વસ્ત્ર પર ભરતકામ કરીને બનાવેલાં હતાં. કોઈ કહે નહીં તો અજાણ્યા માણસને ખબર પણ ન પડે કે આ ભરતકામથી તૈયાર કરેલાં ચિત્રો છે. હોલમાં પ્રાચીન લડવૈયાઓનાં શસ્ત્રો હતાં. તે બધાં જ જોવાલાયક હતાં. નોંધ રાખી નહોતી તેથી તે બધાં મને યાદ રહ્યાં નથી. ત્યાં એક શિરસ્ત્રાણ ત્રીસ રતલ વજનનું હતું.