પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
ગાંધીજીનો અક્ષરદેહ

નેપોલિયન બોનાપાર્ટની ઘોડાગાડી ઘણી સુંદર હતી. હૉલમાં બધે ફરીને બતાવનાર માણસને છ પેન્સ ભેટ આપી અમે પાછા ફર્યા. દેવળ અને આર્મરી હૉલ [શસ્ત્રાગાર]માં જોવાને ફરતી વખતે આદરની નિશાની તરીકે અમારે અમારી ટોપી ઉતારવી પડી હતી. પછી અમે પેલા ઠગની દુકાને ગયા. તેણે કંઈ ને કંઈ અમારે માથે મારવાનો પ્રયત્ન કર્યો. પણ અમે કંઈ ખરીદી ન કરી. છેવટે મિ. મજમુદારે માલ્ટાનાં દૃશ્યોની ચોપડી અઢી શિલિંગમાં લીધી. અહીંથી પેલા ઠગે જાતે અમારી સાથે આવવાને બદલે અમને એક દુભાષિયાને ભળાવ્યા. દુભાષિયો ઘણો ભલો માણસ હતો. તે અમને નારંગીના બગીચા તરફ લઈ ગયો. બગીચો અમે જોયો. તે મને જરાયે ન ગમ્યો. તેના કરતાં તો અમારો રાજકોટનો જાહેર બાગ મને વધારે ગમે છે. મારે સારુ જોવા લાયક ત્યાં માત્ર પાણીના એક તળાવમાં રાતી ને સોનેરી માછલીઓ હતી. ત્યાંથી અમે શહેરમાં પાછા ફર્યા ને એક હોટલમાં ગયા. મિ. મજમુદારે ત્યાં થોડા બટાટા ને ચા લીધાં. રસ્તે અમને એક હિંદી ભાઈ મળ્યા. મિ. મજમુદાર ઘણા ધીટ હોવાથી તેમણે તેની સાથે વાત કરી. તેની સાથે વધારે વાતો કરતાં માલૂમ પડયું કે માલ્ટામાં દુકાન ચલાવનાર એક દુકાનદારના તે ભાઈ હતા. એટલે અમે તરત તે દુકાને ગયા. મિ. મજમુદારને દુકાનદાર સાથે સારી પેઠે વાતો થઈ. અમે ત્યાંથી થોડી ખરીદી કરી ને દુકાનમાં બે કલાક ગાળ્યા. એટલે માલ્ટા અમારાથી ઝાઝું કંઈ જોવાયું નહીં. અમે એક બીજું દેવળ જોયું. તે પણ ઘણું સુંદર ને જોવાલાયક હતું. અમારે ઑપેરા હાઉસ [ નાટકનું થિયેટર] જોવું હતું પણ તે માટે વખત રહ્યો ન હતો. અમે એ ભાઈની રજા લેતાં તેણે મિ. મજમુદારને પોતાના લંડનમાં રહેતા ભાઈને આપવાને પોતાનો એક પરિચય કાર્ડ આપ્યો. પાછા ફરતાં પેલો ઠગ અમને પાછો મળ્યો અને સાંજે છ વાગ્યે અમારા ભેગો થયો. કાંઠે આવીને પેલા ઠગને, પેલા ભલા દુભાષિયાને અને ગાડીવાળાને ભાડું વગેરે ચૂકવી દીધું. હોડીવાળાની સાથે ભાડાની બાબતમાં અમારે તકરાર થઈ. પરિણામ અલબત્ત હોડીવાળાને ફાવતું આવ્યું. અહીં અમે સારી પેઠે છેતરાયા.

સ્ટીમર क्लाईडे સાંજે સાત વાગ્યે માલ્ટા છોડયું. ત્રણ દિવસની સફર બાદ અમે બપોરે બાર વાગ્યે જિબ્રાલ્ટર પહેાંચ્યા. વહાણ ત્યાં આખી રાત રોકાયું. જિબ્રાલ્ટર જોવાનો મારો પાકો વિચાર હોવાથી હું મળસકે વહેલો ઊઠયો અને મજમુદારને ઉઠાડી તેને મેં પૂછયું કે મારી સાથે કાંઠે આવવું છે? તેણે કહ્યું આવવું છે. પછી મિ. મજીદ પાસે જઈ તેમને મેં ઉઠાડયા. અમે ત્રણે જણ કાંઠે ગયા. અમારી પાસે માત્ર દોઢ કલાકનો વખત હતો. મળસકું હતું એટલે દુકાનો બધી બંધ હતી. કહેવાય છે કે જિબ્રાલ્ટર મુક્ત બંદર હોવાથી ત્યાં તમાકુ પીવાનું બહુ સસ્તું પડે છે. જિબ્રાલ્ટર એક ખડક પર બાંધેલું છે. ખડકને છેક મથાળે કિલ્લેબંધી કરેલી છે પણ તે અમને જોવાની ન મળી અને તેથી અમે દિલગીર થયા. ત્યાંનાં ઘર બધાં હારબંધ આવેલાં છે. એક હારમાંથી બીજીમાં જવાને આપણે થોડાં પગથિયાં ચડવાં પડે છે. એ મને ઘણું ગમ્યું. રચના ઘણી સુંદર હતી. રસ્તા પથ્થર જડેલા હતા. વખત ન હોવાથી અમારે પાછા ફરવું પડયું. આગબોટે સવારે ૮-૩૦ કલાકે લંગર ઉપાડયું.

ત્રણ દિવસમાં અમે રાત્રે અગિયાર વાગ્યે પ્લીમથ પહેાંચ્યા. હવે ખરો ટાઢનો વખત આવ્યો. એકેએક મુસાફર કહેતો હતો કે હવે આપણે માંસ ને દારૂ વગર મરી જવાના. પણ એવું અમને કંઈ થયું નહીં. અલબત્ત, ઠંડી સારી સરખી હતી. અમને દરિયાના તોફાનની વાત પણ મળી હતી પણ તે અમારા જોવામાં ન આવ્યું. હું ખરેખર તે જોવાને ઘણો ઇંતેજાર હતો પણ જોઈ ન શકયો. રાત હોવાથી પ્લીમથનું પણ અમે કંઈ જોવા ન પામ્યા. ત્યાં ધૂમસ ઘાડું