પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭. હિંદના શાકાહારીઓ

[ગાંધીજીએ ઘણુંખરું પહેલવહેલા લખેલા આ લેખો धि वेजिटेरियनમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.]

જુદી જુદી ન્યાતોના અને જુદા જુદા ધર્મોના બસો પચાસ લાખ [૧]લોકો હિંદુસ્તાનમાં વસે છે. જે અંગ્રેજો હિંદુસ્તાન ગયા નથી અથવા જેમને હિંદની વાતોમાં ઝાઝો રસ નથી તેમની બહુ સામાન્ય માન્યતા એવી છે કે હિંદીમાત્ર જન્મના શાકાહારી હોય છે. હવે, આ વાત માત્ર થોડે અંશે સાચી છે. હિંદના લોકો ત્રણ મુખ્ય ભાગમાં વહેંચાયેલા છે: હિંદુ, મુસલમાન અને પારસી.

હિંદુઓમાં વળી ચાર મુખ્ય વર્ણો છે : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ બધામાંથી સિદ્ધાંતની રૂએ માત્ર બ્રાહ્મણો અને વૈશ્યો શુદ્ધ શાકાહારી છે. વહેવારમાં જોકે લગભગ બધા હિંદીઓ શાકાહારી હોય છે. એમાંના કેટલાક સ્વેચ્છાએ શાકાહારી છે તો બીજા ફરજિયાત તેવા છે. આ ફરજિયાત શાકાહારીઓ હંમેશા માંસ ખાવાને રાજી હોવા છતાં એટલા ગરીબ છે કે તે ખરીદી શકતા નથી. હિંદમાં હજારો એવા લોકો છે જેમને રોજના એક પૈસા (૧/૩ પેની) પર ગુજારો કરવો પડે છે એ બીના પરથી એ વાતની સાબિતી મળે છે. આ બધા લોકો રોટલો ને મીઠા પર જીવે છે અને મીઠા પર ભારે કરવેરો નાખવામાં આવેલો છે. એટલે ગરીબીમાં સબડતા હિંદ જેવા મુલકમાં પણ ૧/૩ પેનીમાં ખાવાલાયક માંસ મેળવવાનું છેક અશકય નહીં તોયે અત્યંત મુશ્કેલ છે.

હિંદમાં શાકાહારીઓ કોણ છે એ સવાલની આ સમજ સ્પષ્ટ થયા પછી બીજો કુદરતી સવાલ એ ઊભો થાય કે એ લોકો શાકાહારનો સિદ્ધાંત વહેવારમાં કઈ ઢબે અમલમાં મૂકે છે. પહેલું તો એ કે હિંદી શાકાહારના આચારમાં વી. ઈ. એમ. [૨] આહારની વાત આવતી નથી. હિંદીઓ એટલે કે શાકાહારી હિંદીઓ મચ્છી, જાનવરોનું માંસ, અને પંખીઓનું માંસ એ ત્રણ ઉપરાંત ઈંડાં પણ લેતા નથી. તેમની દલીલ એવી છે કે ઈંડું ખાવું એ જીવની કતલ કર્યા બરાબર છે કેમ કે ઈંડાને છેડવામાં ન આવે તો તેનું સામાન્યપણે પંખી બને. પણ અહીંના કેટલાક શાકાહારી અંતિમવાદી દૂધ અને માખણને પણ વજર્ય માને છે તેમ તે લોકો નથી માનતા એટલું જ નહીં, તેમને 'ફળાહારના દિવસો'એ લઈ શકાય એટલાં પવિત્ર માને છે. એવા દિવસો દર પખવાડિયે આવે છે અને ઊંચ વર્ણના ઘણાખરા હિંદુઓ સામાન્યપણે પાળે છે. તેમની દલીલ એવી છે કે ગાયનું દૂધ તેની પાસેથી લેવામાં અમે તેની કતલ કરતા નથી અને ખરેખર, ગાયને દોહવાની ક્રિયા જેને ચિત્રોનો અને કાવ્યોનો વિષય બનાવવામાં આવ્યો છે તે

  1. દેખીતી જ આ છાપકામની ભૂલ લાગે છે, પચીસ લાખ એટલે કે પચીસ કરોડને બદલે અઢી કરોડ એમ છપાઈ ગયું છે.
  2. ૨. વી. ઈ. એમનો અર્થ ઘણું કરીને વેજેટેરિયનિઝમ એક્સકલુડિંગ મિલ્ક એટલે કે દૂધ વગરનો શાકાહારને સિદ્ધાંત એવો થાય છે.