પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
ગાંધીજીનો અક્ષરદેહ

અનેક મસાલાથી સ્વાદિષ્ટ કરેલી દાળ હોય છે. એ પછી કેટલાક લોકો દૂધ અને ભાત અથવા એકલું દૂધ, અથવા દહીં અથવા ખાસ કરીને ઉનાળામાં છાશ પણ લે છે.

બીજા ભોજનમાં એટલે કે વાળુમાં પહેલા ભોજનના જેવી જ ઘણીખરી વાનીઓ હોય છે. પણ તેમનું પ્રમાણ ઓછું હોય છે. આ ભોજનમાં શાક પણ પહેલાના કરતાં ઓછાં હોય છે. વાળુમાં દૂધનો વપરાશ વધારે છૂટથી થાય છે. અહીં વાચકને યાદ કરાવવું જરૂરી છે કે હિંદીઓ અનિવાર્યપણે હંમેશ આ જ આહાર લે છે એવું નથી અને હિંદુસ્તાનભરમાં અને બધા વર્ગોના લોકોમાં ઉપર ગણાવેલી અસલ વાનીઓ જ હોય છે એવું પણ નથી. જેમ કે નમૂના તરીકે વર્ણવવામાં આવેલા ભોજનમાં મીઠાઈનો ઉલ્લેખ કર્યો નથી પણ સારી સ્થિતિવાળા વર્ગોના લોકો અઠવાડિયામાં એકાદ ટંક તેનો ઉપયોગ કરે જ છે. વળી, ઉપર કહ્યું છે તેમ મુંબઈ ઈલાકામાં ચોખાના કરતાં ઘઉંનો વપરાશ વધારે છે તો બંગાળમાં ઘઉંના કરતાં ચોખાને વધારે મહત્વ અપાય છે તેવું જ ત્રીજા અપવાદનું છે, જે મૂળ નિયમને સિદ્ધ કરી આપે છે કે ઉપર જણાવવામાં આવેલા આહારના કરતાં મજૂરી કરનારા વર્ગોનો આહાર જુદો હોય છે. બધી જુદી વાનગીઓ ગણાવવા જતાં મોટાં મોટાં થોથાં ભરાય ને તેમ કરવા જતાં આ લેખમાંથી રસ ઊડી જાય એવો ડર રહે છે.

ઇંગ્લંડમાં અથવા સંભવ છે કે યુરોપમાં વપરાય છે તેના કરતાં રસોઈને માટે માખણનો અથવા તમારે જોઈએ તો કહો કે તાવેલા માખણનો એટલે કે ઘીનો ઉપયોગ ઘણો વધારે થાય છે. અને કંઈક અધિકારથી વાત કરી શકે એવા એક દાક્તરના કહેવા પ્રમાણે હિંદુસ્તાનના જેવી ગરમ આબોહવામાં માખણનો વધારે વપરાશ, ફાયદો નહીં કરતો હોય તોયે, ઇંગ્લંડના જેવી ઠંડી આબોહવામાં કરે તેવું નુકસાન નહીં કરે.

વાચકને સહેજે ધ્યાનમાં આવશે કે ઉપર ગણાવેલી નમૂનારૂપ આહારની વાનીઓમાં ફળોનો અને બેશક સર્વ રીતે ખોરાક તરીકે , મહત્વનાં ફળોનો દુ:ખ સાથે કહેવું પડે છે કે ઉલ્લેખ નથી તેથી તેમનો અભાવ તરત વરતાય છે. તેનાં અનેક કારણોમાં થોડાં એ છે કે હિંદીઓને આહાર તરીકે ફળોનું ઘટતું મૂલ્ય સમજાયું નથી અને મોટાં શહેરો સિવાય સારાં ફળો હિંદમાં બધે મળી શકતાં નથી. અલબત્ત, અહીં જોવામાં નથી આવતાં એવાં કેટલાંક ફળ હિંદમાં બધા વર્ગના લોકો વાપરે છે; પણ અફસોસ ! તે વધારાની ખાવાની ચીજો તરીકે વપરાય છે અને પોષક તત્વોના રસાયણની દૃષ્ટિથી તેમનું મૂલ્ય કોઈ સમજતું નથી કેમ કે તેમનું તે દૃષ્ટિથી પૃથક્કરણ કરવાની કોઈ મહેનત કરતું નથી.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૧૪–૨–૧૮૯૧

આની પહેલાંના લેખમાં રોટલીની બાબતમાં 'હવે પછી વધારે' જણાવવાનું વચન આપ્યું હતું. આ રોટલી સામાન્યપણે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે ઘઉંને પહેલાં ઘંટીમાં દળવામાં આવે છે. આ ઘંટી હાથથી ફેરવવાની હોય છે અને તે અનાજનો લોટ દળવાને માટેની સાદી રચના હોઈ તેમાં સંચાનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. ધઉંના અામ દળેલા લોટને મોટાં કાણાંવાળી ચાળણીમાં ચાળવામાં આવે છે જેથી જાડું થૂલું ચાળણીમાં રહી જાય છે.