પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
હિંદના શાકાહારીઓ

અને ગરીબ વર્ગના લોકો તો ખરેખર ઘંટીમાં દળેલા ઘઉંને ચાળતાયે નથી. આમ જોકે અહીંના શાકાહારીઓ વાપરે છે તેવો એ લોટ હોતો નથી એ ખરું છતાં ખૂબ વગોવાયેલી સફેદ ડબલ રોટી અથવા પાંઉને માટે જે સામાન્ય પ્રકારનો લોટ અહીં વપરાય છે તેના કરતાં એ ઘણો ચડિયાતો હોય છે. માખણ તદ્દન ચોખ્ખું હોય તો જે ક્રિયા કેટલીક વાર નકામી હોય છે તે તેના પર કરી એટલે કે તાવી, ગળણીથી ગાળી, ઠંડું પાડી, ઠરવા દઈ શુદ્ધ કરેલું માખણ અથવા ઘીનું શેરે એક મોટા ચમચાને હિસાબે લોટમાં મોણ નાખવામાં આવે છે, અને પછી તેના પર જરૂર જોગું પાણી રેડી બે હાથે મસળી, કેળવી કણકનો લૂઓ તૈયાર કરવામાં આવે છે. આ મોટા લૂઆમાંથી લીંબુના જેવડા એકસરખા નાના નાના લૂઆ પાડવામાં આવે છે. એ દરેક નાના લૂઆની વેલણથી આશરે છ ઇંચ વ્યાસની ગોળ રોટલી વણાય છે. આ વેલણ લાકડાની ટૂંકી લાકડી જેવું હોઈ આ કામ માટે ખાસ સંઘાડા પર ઉતારવામાં આવે છે. પછી વણાયેલી દરેક રોટલીને તાવી પર બરાબર શેકવામાં આવે છે, એક રોટલીને બરોબર શેકાતાં અથવા ચડી રહેતાં પાંચથી સાત મિનિટ થાય છે. આવી રોટલી માખણ એટલે કે ઘી સાથે ગરમ ગરમ ખાવાની હોય છે. તેનો સ્વાદ બહુ મજાનો હોય છે, એ રોટલી તદ્દન ઠંડી પણ ખાઈ શકાય છે અને ખવાય છે ખરી. સામાન્ય અંગ્રેજને સારુ જેવું ખોરાકમાં માંસ હોય છે તેવી શાકાહારી કે માંસાહારી હિંદીને માટે આહારમાં આ રોટલી હોય છે. આનું કારણ એવું છે કે આ લેખકના અભિપ્રાય મુજબ હિંદમાં માંસાહાર કરનારો માણસ પોતે ખાય છે તે માંસને ખોરાક તરીકે તદ્દન આવશ્યક માનતો નથી પણ કહો કે રોટલીની સાથે ખાવાની એક વાની ગણે છે.

સારી સ્થિતિના હિંદી શાકાહારીના ખોરાકની આવી આ રૂપરેખા અને માત્ર રૂપરેખા છે. હવે, એવો સવાલ પૂછવામાં આવે કે, “હિંદી લોકોની રહેણીકરણીની ટેવોમાં બ્રિટિશ અમલને લીધે કોઈ ફેર નથી પડયો?” ખાવાપીવાની ટેવોને લાગેવળગે છે ત્યાં સુધી આ સવાલનો જવાબ છે “પડયો છે” અને “નથી પડયો”. નથી પડયો કહેવાનું કારણ એ કે સામાન્ય સ્ત્રીઓ અને પુરુષો પોતાના અસલ ખોરાકને અને ભોજનની બે ટંકને વળગી રહ્યાં છે. પડયો છે કહેવાનું કારણ એ કે જે લોકો થોડું અંગ્રેજી શીખી નીકળ્યા છે તેમણે કયાંક કયાંક આમ કે તેમ અંગ્રેજી ખ્યાલો અપનાવવા માંડયા છે. આ ફેરફાર સુધારો છે કે કુધારો તેનો નિર્ણય કરવાનું વાચકને સોંપી એટલું કહેવું જોઈએ કે એ ફેર બહુ નજરે પડે એવો નથી.

પાછળથી ગણાવેલા એટલે કે થોડું અંગ્રેજી શીખી નીકળેલા વર્ગે સવારના નાસ્તાની વાત માનવા માંડી છે અને તે નાસ્તો સામાન્યપણે ચાના એકાદ બે પ્યાલા હોય છે. આ પરથી આપણે પીણાંની વાત પર આવવાનું થાય છે. હવે, મુખ્યત્વે બ્રિટિશ અમલની અસરને પરિણામે ભણેલા કહેવાતા હિંદીઓએ ચા અને કૉફી પીવાનું શરૂ કર્યું છે તેની વાત બહુ ટૂંકમાં પતાવી શકાય એવી છે. ચા અને કોફીથી બહુ થાય તો ખરચમાં થોડો વધારો થાય અને વધારે પડતાં પિવાય તો તબિયતમાં સામાન્ય નબળાઈ આવે, પણ બ્રિટિશ અમલનાં વધારેમાં વધારે વરતાતાં અનિષ્ટોમાંનું એક માણસજાતનાં દુશ્મન અને સંસ્કૃતિના શાપ સમાં મદ્યાર્કવાળાં પીણાંઓની એક અથવા બીજે રૂપે હિંદમાં થયેલી આયાત છે. પારકા પાસેથી વહોરી લીધેલા આ અનિષ્ટની બૂરાઈના પ્રમાણનું માપ વાચક એટલી એક બીના પરથી બરાબર કાઢી શકશે કે એ દુશ્મનનો ફેલાવો ધર્મની મનાઈ હોવા છતાં હિંદમાં એક છેડેથી બીજે છેડે સુધી થયો છે; પોતાના ધર્મના ફરમાન મુજબ મુસલમાનને મદ્યાર્કની બાટલીનો સ્પર્શ સુધ્ધાં અપવિત્ર કરે છે અને હિંદુનો