પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
હિંદના શાકાહારીઓ

પહેલાં તેમનાં વેવિશાળ ગોઠવી દેવાય છે. દાખલા તરીકે એક બાઈ બીજી સાથે એવી બોલીથી બંધાય છે કે મારે દીકરી આવશે ને તમને દીકરો આવશે અથવા મારે દીકરો આવશે ને તમને દીકરી આવશે તો તેનો વિવાહ કરીશું. બેશક, આવા કિસ્સાઓમાં લગ્ન બાળકો દસ કે અગિયાર વરસનાં થાય તે પહેલાં કરવામાં આવતાં નથી. બાર વરસની ઉંમરની પત્નીને સોળ કે સત્તર વરસની ઉંમરના પતિથી બાળક થયાના દાખલાઓ નેાંધાયા છે. મજબૂતમાં મજબૂત શરીરના બંધારણ પર આવાં લગ્નોની માઠી અસર થયા વગર રહે ખરી કે?

હવે આવાં લગ્નોની સંતતિ કેવી નબળી પેદા થાય તેનો વિચાર કરો. પછી એવાં જોડાંને જે ફિકરચિંતા વેઠવી પડે તે જુઓ. અગિયાર વરસના વરનાં આશરે એટલી જ વયની કન્યા સાથેનાં લગ્નનો દાખલો લઈએ. આમ જે સમયે પતિ હોવું એટલે શું એ વાતથી છોકરો અજ્ઞાન હોવો જોઈએ અને હોય છે તે જ સમયે પત્ની તેને માથે મારવામાં આવે છે. તે અલબત્ત, નિશાળે જાય છે. નિશાળના અભ્યાસની મહેનત ઉપર છે ને તેની બાળપત્નીની સંભાળ રાખવાની આવે છે. પત્નીનું ભરણપોષણ કરવાનું સાચેસાચ તેને માથે આવતું નથી કેમ કે હિંદુસ્તાનમાં દીકરો પરણે એટલે તેનાં માબાપની સાથે મેળ ન હોય[૧] તે સિવાય તેનાથી અવશ્યપણે અલગ રહેવા માંડતો નથી; પણ ભરણપોષણ કરવા સિવાયનું બાકીનું બીજું બધું જ કરવાની જવાબદારી તેને માથે પડે છે. ત્યાર બાદ છએક વરસના અરસામાં તેને બાળક થાય છે. હજી ઘણુંખરું તેનો અભ્યાસ પૂરો થયેલો હોતો નથી અને તેને એકલા પોતાના જ નહીં, પોતાની પત્ની અને બાળકના ભરણપોષણને માટે કમાણી કરવાનું વિચારવું પડે છે કેમ કે પોતાના પિતાની સાથે આખી જિદગી કાઢવાની અપેક્ષા તે રાખી શકે નહીં; અને ધારો કે તે તેમ કરી શકે તોયે પોતાની પત્ની અને બાળક બન્નેના ભરણપોષણના ખર્ચમાં કંઈ ફાળો આપવાની અપેક્ષા તો તેની પાસે અવશ્ય રાખવી જોઈએ. પોતાની આ ફરજના ખાલી ભાનનો બોજો તેના મન પર રહેશે ખરો કે નહીં? અને એ રીતે તે ફિકર તેની તંદુરસ્તીને કોરી ખાશે કે નહીં? આનાથી ગમે તેવું મજબૂત શરીરનું બંધારણ પણ ખખડી નહીં જાય એવું કહેવાની હિંમત કોઈ કરી શકશે કે ? એવી દલીલ જોકે સહેજે થઈ શકે કે આ દાખલામાંનો છોકરો માંસાહારી હોત તો શરીરમાં રહ્યો તેના કરતાં વધારે પુષ્ટ રહી શકયો હોત. આવી દલીલનો જવાબ માંસાહાર કરવા છતાંયે પોતાની અતિ વિષયસેવનની આદતથી નબળા રહેતા ક્ષત્રિય રાજાઓના દાખલામાંથી મળી રહે છે.

વળી, બિનતંદુરસ્તીનાં બીજાં વિરોધી કારણો કાર્ય ન કરતાં હોય તો હિંદી શાકાહારી શરીરથી કેટલો મજબૂત હોઈ શકે તેનો સરસ દાખલો હિંદના પશુપાલક ભરવાડો પૂરો પાડે છે. હિંદી ભરવાડ ભીમકાય એવો ઉત્તમ બાંધાનો આદમી હોય છે. પોતાની જાડી મજબૂત કડિયાળી ડાંગથી તલવારવાળા સામાન્ય યુરોપિયનનો તે ખુશીથી બરોબરીનો સામનો કરી શકશે. પોતાની એ કડિયાળી ડાંગથી ભરવાડોએ વાઘ અને સિંહને માર્યાના અથવા હાંકી કાઢયાના દાખલાઓ નોંધાયેલા છે. પણ એક દિવસ એક મિત્રે દલીલ કરી કે 'આ તો અણઘડ કુદરતી અવસ્થામાં જીવન ગાળનારાં માણસોનો દાખલો થયો. સમાજની આજની અત્યંત અકુદરતી અવસ્થામાં તમારે કેવળ શાકપાંદડાં ને કઠોળ ઉપરાંત બીજું કંઈ જોઈએ જ જોઈએ. તમારા ભરવાડમાં બુદ્ધિનો અભાવ હોય છે, તે પુસ્તકો વાંચતો નથી વ. વ.' આ દલીલનો

  1. ૧. અહીં અંગ્રેજીમાં ऍट वेरायन्स ને બદલે ऍट सिक्सिझ ऍन्ड सेक्स એવો પ્રયોગ ગાંધીજીએ કરેલોછે જેનો સંભવ છે કે તેઓ આવે અર્થ કરતા હોય. બાકી એવો પ્રયોગનો અર્થ ગોટાળો એવા થાય છે,