પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
કેટલાક હિંદી તહેવારો

વર્ગની સ્ત્રીઓ જાતે રસોઈ કરવામાં નાનમ માનતી નથી. ઊલટું, હકીકતમાં દરેક સ્ત્રીએ રસોઈની કળા સિદ્ધ કરેલી હોવી જોઈએ એમ મનાય છે.

આમ રાતને વખતે ભોજન અને ગીતગરબાની મજા કરતાં કરતાં આપણે આસો મહિનાની વદ તેરસ સુધી પહોંચીએ છીએ. (હિંદમાં દરેક માસના કૃષ્ણ પક્ષ અથવા વદ અને શુકલ પક્ષ અથવા સુદ એવા બે ભાગ પાડવામાં આવે છે અને પૂર્ણિમા પછીના તેમ જ અમાવાસ્યા પછીના પડવાથી તે બન્નેની શરૂઆત ગણાય છે; આમ પૂનમ પછીનો પડવો વદ અથવા અંધારિયાનો અને અમાસ પછીનો સુદ અથવા અજવાળિયાનો પહેલો દિવસ ગણાતો હોઈ તિથિની ગણતરી એ રીતે આગળ ચાલે છે.) તેરસનો દિવસ અને તે પછીના ત્રણ દિવસ આખા ને આખા ઉજવણીમાં અને આનંદપ્રમોદમાં જાય છે. આ તેરમા દિવસને અથવા તેરસને ધનતેરસ કહેવામાં આવે છે એટલે કે એ તેરસ સંપત્તિની દેવી લક્ષ્મીની પૂજાને માટે જુદી રાખવામાં આવેલી છે. તવંગર લોકો તે દિવસે જુદી જુદી જાતનું હીરા મોતી અને બીજું ઝવેરાત, નાણાંના સિક્કા વગેરે ભેગું કરી સંભાળથી એક પેટીમાં મૂકે છે. પૂજા સિવાય એનો તેઓ બીજો ઉપયોગ કરતા નથી. દર વરસે આ સંધરામાં કંઈ ને કંઈ ઉમેરવામાં આવે છે. અને થોડા વિરલ અપવાદ બાદ કરતાં કોણ લક્ષ્મીનો લોભ નથી રાખતું એટલે કે તેને નથી ભજતું? એથી તે ભજન એટલે બહારની પૂજા સિક્કા વગેરેને પાણીથી અને દૂધથી ધોઈને તેના પર કંકુ ને ફૂલ ચડાવીને કરવામાં આવે છે.

ચૌદમો દિવસ કાળી ચૌદસ કહેવાય છે; પણ કાળી ચૌદસ હોવા છતાં તે દહાડે લોકો મળસકે ઊઠે છે અને એદીમાં એદી માણસને પણ બરાબર નાહવાની ફરજ પડે છે; માતાઓ શિયાળો હોવા છતાં તે દિવસે વહેલી સવારના પોતાનાં નાનાં બાળકોને પણ નવડાવ્યા વગર રહેતી નથી. કાળી ચૌદસની રાતે સ્મશાનમાં ભૂતો ટોળે વળે છે એવું મનાય છે. જે લોકો ભૂતપ્રેતની વાતમાં શ્રદ્ધા રાખે છે તે પોતાના એ મિત્રોને મળવાને એ સ્થળો પર જાય છે અને બીકણ માણસો ભૂત કયાંક નજરે ન પડી જાય એવી બીકનાં માર્યા ઘરમાંથી બહાર પણ ટૂંકતાં નથી.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૨૮–૩–૧૮૯૧

પણ જુઓ ! હવે પંદરમા દિવસનું સવાર પડયું ને દિવાળી આવી પહોંચી. આ દિવાળીને દહાડે ભારી ભારી દારૂખાનું ફોડવામાં આવે છે. આ દિવસે કોઈ પણ પોતાની પાસેનું નાણું છોડવા માગતું નથી. કોઈ પૈસા ઉછીના લેશે નહીં કે આપશે નહીં. જે કંઈ ખરીદી કરવાની તે બધી આગલે દિવસે થઈ ગયેલી ગણાય છે.

હવે તમે એક જાહેર રસ્તાના ખૂણે ઊભા છો. જુઓ, ધોળાં દૂધ જેવાં કપડાં પહેરી પેલો ભરવાડ સામે ચાલ્યો આવે છે, એ કપડાં એણે પહેલી જ વાર પહેર્યા છે. તેની લાંબી દાઢી તેણે ચહેરા પર બે બાજુ ઊંચી લઈ પોતાના ફળિયાની નીચે દબાવી છે અને તે કોઈક ગીતની તૂટક કડીઓ લલકારે છે, લાલ રંગે ને લીલા રંગે રંગેલાં અને અણી પર ચાંદીની ખોળીઓવાળાં શીંગડાંવાળી ગાયોનું ધણ તેની પાછળ વહ્યું આવે છે. તેની પાછળ નાની નાની