પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
ગાંધીજીનો અક્ષરદેહ

મહિયારીઓનું ટોળું માથે ઊઢણ પર ગોઠવેલી નાની નાની મટુકીઓ લઈ થોડી વારમાં ચાલી આવતું તમારી નજરે પડે છે. તમને થાય છે કે આ મટુકીઓમાં શું હશે ! પેલી બેપરવા મહિયારીની મટુકીમાંથી છલકાતું દૂધ જોતાંવેંત તમારી શંકા દૂર થાય છે. પછી ધોળા થોભિયાવાળો, ધોળી પાઘડી માથે મૂકી તેમાં બરુની લાંબી કલમ ખોસી ચાલ્યો આવતો પેલો પડછંદ આદમી જુઓ. તેણે કેડે લાંબું ફાળિયું વીંટાળ્યું છે અને તે ફાળિયામાં રૂપાનો શાહીનો ખડિયો ગોઠવ્યો છે. તમારે જાણી લેવું જોઈએ કે એ મોટો શરાફ છે. આમ જુદી જુદી જાતનાં માણસો આનંદ અને મસ્તીભર્યા રસ્તેથી ચાલ્યાં જતાં તમને જોવાનાં મળશે.

પછી આવી રાત. શહેરની શેરીઓ બધી આંખને આંજી નાખનારી રોશનીથી ઝળાંઝળાં થઈ રહી છે; અલબત્ત, જેણે લંડનના રિજન્ટ સ્ટ્રીટ અથવા ઓકસફર્ડ સ્ટ્રીટ જોયા નથી તેને જ એ આંજી નાખનારી લાગે અને તેની સરખામણી ક્રિસ્ટલ પેલેસ પર જે પ્રમાણમાં રોશની કરવામાં આવે છે તેની સાથે કરવાની હોય નહીં, મુંબઈ જેવાં મોટાં શહેરોની વાત વળી જુદી છે. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પોતાનાં સારામાં સારાં વસ્ત્રો પહેરી ફરવા નીકળે છે, એ વસ્ત્રોના રંગોની વિવિધતાનો પાર નથી, તેથી અદ્ભુત એવી ચિત્રવિચિત્ર અસર પેદા થાય છે ને બધાં વસ્ત્રો એકઠાં મળી સુમેળવાળું અખંડ રંગબેરંગી સુંદર દૃશ્ય ઊભું કરે છે. વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા પણ આજે રાતે કરવાની હોય છે. વેપારીઓ ત્યારે નામાનો પહેલો આંકડો પાડી નવા ચોપડા શરૂ કરે છે. પૂજા કરાવનારો સર્વવ્યાપી બ્રાહ્મણ પૂજામાં થોડા શ્લોક બબડી જઈ દેવી સરસ્વતીનું આવાહન કરે છે. પૂજા થઈ રહે છે એટલે છેક અધીરાં થઈ ગયેલાં બાળકો દારૂખાનું ફોડવા મંડી પડે છે; અને આ પૂજાનું મહુરત આગળથી નક્કી થયેલું હોવાથી શહેરની બધી શેરીઓ ફટાકડાઓના અને બીજા દારૂખાનાના ફૂટવાના ફટફટ અને સૂસૂ અવાજોથી ગાજી ઊઠે છે. ધાર્મિક વૃત્તિના લોકો પછી મંદિરોએ દર્શને જાય છે પણ ત્યાંયે આ રાતે તો આનંદ અને ઉત્સાહ, આંજી નાખનારી રોશની અને જાતજાતની શોભા વગર બીજું કંઈ જોવામાં આવતું નથી.

ત્યાર પછીનો એટલે કે બેસતા વરસનો દિવસ મુલાકાતો લેવા જવાનો અને મુલાકાતોએ આવનારાઓને મળવાનો દિવસ છે. રસોડાનો ચૂલો તે દિવસે ટાઢો રહે છે અને તેથી આગળના દિવસોએ તૈયાર કરેલી વાનીઓથી ચલાવી લેવામાં આવે છે. પણ ખાઉધરને ભૂખે મરવું પડતું નથી કારણ કે ખાવાની વાનીઓ એટલી બધી હોય છે કે તે વારે વારે ખાય છે તોયે પૂરી થતી નથી ને કેટલુંયે વધે છે. સારી સ્થિતિના વર્ગના લોકો હરેક પ્રકારનાં શાકભાજી, અનાજ અને કઠોળ ખરીદી રાંધે છે અને બેસતે વરસે તે દરેકનો ચાખીને સ્વાદ લે છે.

નવા વરસનો બીજો દિવસ પ્રમાણમાં ધમાલ વગરનો શાન્ત હોય છે રસોડાના ચૂલા ફરી સળગે છે આગલા દિવસોનાં ભારી ભોજનો પછી આ દિવસે સાધારણ રીતે હલકો ખોરાક લેવાય છે. કોઈક તોફાની છોકરાં ફોડે તે સિવાય દારૂખાનું પણ હવે ફૂટતું નથી. રોશનીનું પ્રમાણ પણ ઘટી જાય છે. આ બીજની સાથે દિવાળીના તહેવારો લગભગ પૂરા થાય છે.

આ તહેવારોની સમાજ પર કેવી અસર થાય છે ને અજાણપણે પણ લોકો કેવાં કેવાં કેટલાંક કરવા લાયક કામો કરે છે તે જોઈએ. સામાન્યપણે આ તહેવારોને માટે કુટુંબનાં બધાં માણસો પોતાના રહેઠાણના મુખ્ય સ્થળ પર એકઠાં મળવાને કોશિશ કરે છે. આગલું આખું વરસ ધંધાના રોકાણને લીધે પતિને બહાર રહેવાનું થયું હોય તોપણ તે પત્નીને મળવા આવવાને હંમેશ ઘેર પહોંચવાની કોશિશ કર્યા વગર રહેતો નથી. પોતાનાં બાળકો ભેળા થવાને પિતા