પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
ગાંધીજીનો અક્ષરદેહ

તેમનો ખોરાક છે. મજૂરી કરનારા લોકો ચોખા જવલ્લે જ ખાય છે, તાવમાં પડેલા પોતાના દરદીને દાક્તરો ચોખાના આહાર પર રાખે છે. હું પણ તાવમાં સપડાયો છું (બેશક, ડૉ. એલિન્સન કહેશે તેમ આરોગ્યના નિયમોનો ભંગ કરવાથી) અને તે વખતે મને ભાત અને મગના પાણી પર રાખવામાં આવ્યો હતો. હું ઝટ સાજો થયેલો.

હવે લીલાં શાકભાજીની વાત લઈએ. કઠોળની વાનીઓ જે રીતે રંધાય છે તે જ રીતે શાક પણ રંધાય છે. શાક રાંધવામાં તેલ અને ઘી ઘણાં કામમાં આવે છે. ઘણી વાર તેમાં ચણાનો લોટ નાખવામાં આવે છે. કેવળ ઉકાળેલાં કે બાફેલાં શાક કદી ખવાતાં નથી. હિંદમાં બાફેલો બટાટો કદી મારા જોવામાં આવ્યો નહોતો. ઘણી વાર તે લોકો બે, ત્રણ કે તેથીયે વધારે શાક ભેગાં કરીને શાકની વાની બનાવે છે શાકની મજાની વાનીઓ તૈયાર કરવામાં હિંદ ફ્રાંસને કયાંયે ટપી જાય છે એ જણાવવાની પણ જરૂર નથી. તેમનો ખરો ઉપયોગ દાળના જેવો જ છે. તેમનું મહત્ત્વ તેનાથી બીજે નંબરે છે. શાક ઘણુંખરું શોખની ચીજો ગણાય છે અને તેને લીધે માંદા પડી જવાય છે એવું મનાય છે. ગરીબ લોકો અઠવાડિયે માંડ એક કે બે વાર શાક ખાતા હશે. તે લોકો રોટલી ને દાળ ખાય છે. કેટલાંક શાકભાજીમાં ઔષધ તરીકેનો ઘણો ગુણ હોય છે. ત્યાં તાંદળજો નામની ભાજી થાય છે તેનો સ્વાદ પાલખની ભાજીને ઘણો મળતો આવે છે. વધારે પડતાં મરચાં ખાઈને આંખ બગાડનારા દરદીઓને વૈદો તાંદળજાની ભાજીનું સેવન કરવાનો ઇલાજ બતાવે છે.

હવે રહી ફળોની વાત, તેમનો ઉપયોગ મુખ્યત્વે 'ફળાહારના દિવસો'એ થાય છે પણ સામાન્ય ભોજનને અંતે તે વપરાતાં હશે તોયે ભાગ્યે જ વપરાય છે. લોકો વચ્ચે વચ્ચે કોઈક વાર ખાય ખરા. કેરીની મોસમમાં કેરીનો રસ ઘણો વપરાય છે. તે રોટલી અગર ભાતની સાથે ખવાય છે. અમારે ત્યાં પાકાં ફળ કદી ઉકાળવામાં કે બાફવામાં આવતાં નથી. અમે લોકો કાચાં ફળ ને તેમાંયે મોટે ભાગે કાચી કેરી ખાટી હોય તે વખતે તેનાં મુરબ્બા કે અથાણાં બનાવીએ છીએ. આરોગ્યની દૃષ્ટિએ કાચાં ફળ સામાન્યપણે ખટાશવાળાં હોવાથી તાવ લાવે છે એવું મનાય છે. સૂકો મેવો બાળકો ઠીક ઠીક પ્રમાણમાં ખાય છે અને એમાં ખજૂર અને ખારેકની કંઈક વાત કરી લેવા જેવી ગણાય. તે શક્તિવર્ધક મનાય છે અને તેથી શિયાળામાં અમારે ત્યાં શક્તિવર્ધક વસાણાં લેવાનો રિવાજ છે ત્યારે તેમને દૂધ અને બીજી અનેક ચીજો સાથે તૈયાર કરી રોજ અધોળને હિસાબે લેવામાં આવે છે.

છેવટમાં, કાછલિયાળાં ફળ અંગ્રેજી મીઠાઈની વાનીઓની જગ્યાએ ખવાય છે. બાળકો ખાંડમાં આથેલાં એવાં ફળ ખૂબ ખાય છે. તેમનો ઉપયોગ 'ફળાહારના દિવસો' એ ઘણો થાય છે. અમારે ત્યાં તેમને ધીમાં તળવામાં આવે છે અને દૂધમાં ઉકાળવામાં પણ આવે છે. બદામ મગજને માટે બહુ સારી ગણાય છે. નારિયેળનો અમે જે અનેક જુદી જુદી રીતે ઉપયોગ કરીએ છીએ તેમાંથી એકનો જ નિર્દેશ કરી લઉં. પહેલાં સૂકા કોપરાને છીણવામાં આવે છે. પછી તેને ધી ને ખાંડમાં ભેળવામાં આવે છે. આ મીઠાઈનો સ્વાદ ઘણો મજાનો હોય છેઃ કોપરાપાકના લાડુને નામે ઓળખાતી આ વાનીનો અખતરો તમારામાંથી થોડા ઘર આગળ કરી જોશો એવી હું આશા રાખું છું. આ, બાનુઓ અને ગૃહસ્થો, હિંદના ખોરાકના વિષયની રૂપરેખા છે, ઘણી જ ઝાંખી, અધૂરી રૂપરેખા છે. હું આશા રાખું છું કે તેમને વિષે વધારે જાણવાનું તમને મન થશે અને મને ખાતરી છે કે તેથી તમને લાભ થશે. વળી, આ પૂરું કરતાં હું એવી પણ આશા રાખું છું કે માંસાહારી ઇંગ્લંડ અને ધાન્યાહારી હિંદુસ્તાન