પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
પોતે ઇંગ્લંડ શા સારુ ગયા

કેટલાક ઉંમરમાં વૃદ્ધ મિત્રો અથવા કહો કે શુભેચ્છકો હતા. તે બધાયે ખરેખર માનતા હતા કે આ છોકરો પાયમાલ થવાનો છે અને ઇંગ્લંડ જઈ તે તેના કુટુંબનું નામ બોળવાનો છે. બીજા કેટલાકે જોકે કેવળ અદેખાઈના માર્યા મારી સામે વિરોધ ઊભો કર્યો. નવાઈ પમાડે એવી ભારે કમાણી કરનારા થોડા બેરિસ્ટરો તેમના જોવામાં આવેલા અને મારે પણ એવી જ કમાણી થવાની એવો તેમને ડર લાગતો હતો. બીજા વળી કેટલાક એવા હતા જેમને લાગતું કે મારી ઉંમર બહુ નાની ગણાય અથવા ઇંગ્લંડની ખૂબ ઠંડી આબોહવા મારાથી સહન નહીં થાય. ટૂંકમાં અહીં આવવાની વાતમાં મને ટેકો આપનારા અથવા મારો વિરોધ કરનારામાંના કોઈ બેનાં કારણો એક નહોતાં.

તમારો ઈરાદો પાર પાડવાને તમે શી પ્રવૃત્તિ કરી ? તમને વાંધો ન હોય તો તમને મુશ્કેલી શી પડી અને તેને તમે કેવી રીતે પહોંચી વળ્યા તે મને કહો.

મારી મુશ્કેલીઓની આખી વાતનો માત્ર પ્રયત્ન કરવા બેસું તો તમારા મૂલ્યવાન સામયિકનો આખો અંક ભરાઈ જાય. એ આખી દુઃખ ને શોકની કથની છે. એ મુશ્કેલીઓ રાવણનાં માથાં જેવી હતી. રાવણ તમે જાણો છો કે હિંદુઓના બીજા[૧] મહાકાવ્ય रामायणનો રાક્ષસ છે. રામ તે મહાકાવ્યનો નાયક. રામે રાવણને લડીને આખરે માત કરેલો. એ રાવણનાં ઘણાં માથાં હતાં. કાપો કે પાછાં આવીને ગોઠવાઈ જાય! એ મુશ્કેલીઓને એકંદરે ચારે ભાગમાં વહેંચી શકાય: પૈસાની, મારા વડીલોની મંજૂરી મેળવવાની, સગાંવહાલાંથી છૂટા પડવાની અને ન્યાતનાં બંધનોની.

પહેલી વાત પૈસાની મુશ્કેલીની કરું. મારા પિતા એક કરતાં વધારે દેશી રાજ્યમાં દીવાન હતા ખરા પણ તેમણે પૈસો કદી સંઘર્યો નહોતો. જે કંઈ કમાયેલા તે બધું તેમણે દાનમાં અને પોતાનાં બાળકોના ભણતરમાં અને લગ્નોમાં ખરચી નાખ્યું હતું. તેથી અમારી પાસે રોકડ નાણાં ઝાઝાં રહ્યાં નહોતાં. તેઓ થોડી મિલકત મૂકી ગયેલા. અમારી પાસે જે હતું તે એટલું જ. કોઈએ તેમને પૂછેલું કે તમે છોકરાઓને સારુ પૈસો બચાવી અલગ કેમ રાખ્યો નથી? તેમણે કહેલું કે મારાં બાળકો એ જ મારી સંપત્તિ છે અને હું ઝાઝો પૈસો સંઘરીને મૂકી જાઉં તો તેમને બગાડું એટલે, મારી સામે પૈસાની મુશ્કેલી નાની નહોતી. રાજ પાસેથી સ્કોલરશિપ મેળવવાનો પ્રયાસ મેં કરી જોયો પણ તેમાં ફાવ્યો નહીં. એક જગ્યાએથી મને કહેવામાં આવેલું કે પહેલાં ગ્રેજયુએટ થઈ તમારી લાયકાત સાબિત કરી આપો ને પછી સ્કોલરશિપની આશા રાખો. અનુભવે હું જોઉં છું કે એ ગૃહસ્થનું કહેવું બરાબર હતું. આમ છતાં જરાયે હિંમત હાર્યા વગર મારા મોટા ભાઈને મેં વિનંતી કરી કે આપણી પાસે જે નાણું રહ્યું છે તે બધું મારા ઇંગ્લંડના ભણતરમાં વાપરો.

અહીં થોડું વિષયાન્તર કરીને હિંદુસ્તાનમાં ચાલતી કુટુંબપદ્ધતિની સમજ આપ્યા વગર હું રહી શકતો નથી. અહીં ઇંગ્લંડમાં છે તેવું ત્યાં નથી; ત્યાં પુરુષ સંતતિ હમેશાં અને સ્ત્રી સંતતિ લગ્ન સુધી પોતાનાં માબાપ સાથે રહે છે. તે જે કંઈ કમાય તે બાપને મળે છે અને તેવી જ રીતે કંઈ ગુમાવે તેની ખોટ પણ બાપને જાય છે. અલબત્ત, પુરુષ સંતતિ પણ અસાધારણ સંજોગોમાં, જેવા કે મોટી તકરાર પડે તો, છૂટી થાય છે. પણ એ અપવાદ ગણાય. મેઈને યોજેલી કાયદાની ભાષામાં “વ્યક્તિગત મિલકત એ પશ્વિમનો સિદ્ધાંત છે, સહિયારી


  1. પહેલું મહાકાવ્ય महाभारत છે.