પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
પોતે ઇંગ્લંડ શા સારુ ગયા

નહોતું. હું પેલી જૂની કહેવત બરાબર શીખ્યો હતો કે “ધીરજ અને ચીવટથી માણસ ડુંગરો પણ પાર કરી જાય” એટલે હું કંઈ હારી ન બેઠો.

પૈસા હાથમાં આવ્યા અને જરૂરી પરવાનગી મળી ગઈ એટલે મેં મનમાં ને મનમાં વિચાર્યું, “મને જે બધું વહાલું છે અને જે બધું આટલું મારી નજીક છે તેનો વિયોગ કેમ વેઠાશે?” હિંદમાં અમે લોકો એકબીજાથી છૂટા પડવાની વાતથી બહુ ભડકીએ છીએ. મારે થોડા દિવસને સારુ ઘરથી બહાર જવાનું થાય તોયે મારી મા રોવા બેસે. તો પછી આ વખતનું દિલ ચીરી નાખનારું દૃશ્ય જોઈ મારા મન પર થનારી અસરને હું કેવી રીતે રોકી શકીશ? મારા મનમાં ને મનમાં મેં જે કષ્ટ વેઠયું તેનું વર્ણન કરવાનું મારાથી બને એવું નથી. વિદાય લેવાનો દિવસ નજીક આવ્યો એટલે હું લગભગ દુ:ખનો માર્યો બેબાકળો થઈ ગયો. પરંતુ આ વાત મારા ઘાડામાં ઘાડા મિત્રને પણ ન કરવા જેટલું ડહાપણ મારામાં હતું, મારી તબિયત કથળતી જતી હતી તે હું જાણતો હતો. સૂતાં, જાગતાં, ખાતાંપીતાં, ચાલતાં, દોડતાં ને વાંચતાં મને ઇંગ્લંડનાં અને વિદાયને અણીને દિવસે હું શું કરીશ તેનાં સ્વપ્નાં આવતાં, વિચારો પણ તેના જ આવતા. આખરે તે દિવસ આવી પહોંચ્યો. એક બાજુ પર મારી મા પોતાની આંસુભરી આંખો આડા હાથ રાખી ઢાંકતી હતી પણ તેનાં ડૂસકાં ચોખ્ખાં સંભળાતાં હતાં. બીજી બાજુ હું પચાસેક મિત્રોના કૂંડાળાની વચ્ચે ઘેરાયો હતો. મેં મારા મનમાં ને મનમાં કહ્યું, “હું રડીશ તો આ લોકો મને પોચો કહેશે; કદાચ તે બધા મને વિલાયત જતો રોકશે.” તેથી મારું દિલ તૂટીને કટકા થઈ જતું હતું છતાં હું રોયો નહીં. મારી પત્નીની વિદાય લેવાનું છેલ્લું આવ્યું પણ છેલ્લું હતું તેથી તેનું મહત્ત્વ ઓછું નહોતું. મિત્રોના દેખતાં તેમની હાજરીમાં હું તેને મળું અગર તેની સાથે વાત કરું તો રિવાજનો ભંગ થાય. તેથી તેને મળવાને મારે અલાયદા ઓરડામાં જવું પડયું, તેણે તો બેશક ક્યારનોયે ડૂસકાં લેવા માંડયાં હતાં. હું તેની પાસે પહોંચ્યો ને ક્ષણભર મૂંગા પૂતળાની જેમ ઊભો. મેં તેને ચુંબન કર્યું ને તેણે કહ્યું, “જશો નહીં.” પછી શું થયું તેનું વર્ણન કરવાની જરૂર નથી. આ પત્યું તેથી મારી ચિંતાનો ભાર ઘટયો નહોતો. આ તો માત્ર અંતની શરૂઆત હતી. વિદાય લેવાનું પણ અર્ધું જ પત્યું હતું કેમ કે મારી મા અને પત્નીથી હું રાજકોટ કે જ્યાં હું ભણ્યો હતો ત્યાંથી છૂટો પડયો પણ મારા ભાઈ અને મિત્રો મને વિદાય આપવાને મુંબઈ સુધી આવ્યા. ત્યાં જે દૃશ્ય થયું તે કંઈ દિલ પર ઓછી અસર કરનારું નહોતું.

મુંબઈમાં મારા ન્યાતીલાઓ સાથે જે અથડામણો થઈ તેનું વર્ણન થઈ શકે એવું નથી “કેમ કે મુંબઈમાં તે લોકો મોટે ભાગે રહે છે. રાજકોટમાં મારી સામે વિરોધ ગણી શકાય તેવું કશું બન્યું નહોતું, તે લોકોની વસ્તી જયાં વધારેમાં વધારે છે તેવા મુંબઈની વચ્ચોવચ આવેલા લત્તામાં કમનસીબે મારે રહેવાનું થયું હતું અને તેથી હું ચારે કોરથી ઘેરાઈ ગયો હતો. હું બહાર નીકળું કે કોઈ ને કોઈ મારી સામે તાકીને જોતું જ હોય કે મારી સામે આંગળી કરતું જ હોય. એક વખતે હું ટાઉન હોલની પાસે થઈને જતો હતો ત્યારે તે લોકો મને ઘેરી વળ્યા ને તેમણે મારો હુરિયો બોલાવ્યો અને મારા ભાઈને બિચારાને તે બધું ચૂપચાપ જોઈ રહેવું પડયું, ન્યાતના મુખ્ય પ્રતિનિધિઓએ મારા ન્યાતીલાઓને બોલાવીને એક મોટી સભામાં એકઠા કર્યા ત્યારે વાત છેવટની અણીએ પહોંચી. ન્યાતના એકેએક સભ્યને હાજર ન રહે તો પાંચ આના દંડ ભરવો પડશે એવી સજાની ધમકી બતાવીને સભામાં તેડાવી મંગાવ્યો હતો. અહીં જણાવી લઉં કે આ પગલું લેવાનો નિર્ણય થયો તે પહેલાં મને તેમનાં ઘણાં પ્રતિનિધિમંડળો