પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
ગાંધીજીનો અક્ષરદેહ

મળવા આવી રંજાડી ગયાં હતાં પણ તેમાં તેમનું કશું વળ્યું નહોતું, આ જંગી સભામાં મને શ્રોતાઓની વચ્ચોવચ બેસાડવામાં આવ્યો હતો. ન્યાતના પ્રતિનિધિઓ, જેમને પટેલિયા કહીને ઓળખાવવામાં આવે છે તેમણે મારી સાથે સખત દલીલો કરી અને મારા પિતાની સાથે પોતાનો કેવો સંબંધ હતો તે મને યાદ દેવડાવ્યું. અહીં જણાવું કે મારે સારુ આ અનુભવ તદ્દન નવો ને અસાધારણ હતો. તે લોકો મને એકાંતમાંથી ખરેખર ઘસડીને લઈ આવ્યા હતા કેમ કે હું આવી વાતોથી ટેવાયેલો નહોતો. વળી, મારા અત્યંત શરમાળ સ્વભાવને લીધે મારી હાલત વધારે કફોડી થઈ પડી. તેમની સખત દલીલોની મારા પર કશી અસર નથી થતી એવું જોઈ ન્યાતના સૌથી આગેવાન પટેલે મને (નીચેની મતલબના) આ શબ્દો કહી સંભળાવ્યા : “અમે તારા બાપના મિત્રો થઈએ તેથી અમને તારે સારુ લાગે છે. ન્યાતના આગેવાનો તરીકે અમારી કેટલી સત્તા છે તે તું જાણે છે. અમને પાકે પાયે ખબર મળી છે કે વિલાયતમાં તારે માંસ ખાવું પડશે ને દારૂ પીવો પડશે; વળી, તારે દરિયો ઓળંગવો પડશે; આ બધું આપણી ન્યાતના રિવાજ અને નિયમથી વિરુદ્ધ છે તે તું જાણે છે. તેથી તારા નિર્ણયનો ફરી વિચાર કરવાની અમારી તને આજ્ઞા છે અને નહીં તો ભારેમાં ભારે સજા તારે ભોગવવી પડશે. આ બાબતમાં તારે શું કહેવું છે?”

મેં નીચેના શબ્દોમાં જવાબ આપ્યો : “તમારી ચેતવણી માટે તમારો આભાર માનું છું. મારો નિર્ણય હું ફેરવી શકું એમ નથી તે સારુ દિલગીર છું. ઇંગ્લંડ વિષે મેં જે સાંભળ્યું છે તે તમે કહો છો તેનાથી તદ્દન જુદું છે, ત્યાં માંસ ને દારૂ લેવાની જરૂર પડતી નથી. દરિયો ઓળંગવાની બાબતમાં જણાવવાનું કે આપણા ન્યાતીલાઓ એડન સુધી જઈ શકે તો હું વિલાયત કેમ ન જઈ શકું? મને પાકી ખાતરી થઈ છે કે આ બધા વાંધાઓના મૂળમાં દ્વેષ રહેલો છે.”

એટલે પટેલે ગુસ્સે થઈને કહ્યું, “બહુ સારું ત્યારે; તું તારા બાપનો દીકરો નથી.” પછી સભા તરફ વળીને તેમણે આગળ ચલાવ્યું, “આ છોકરાની બુદ્ધિ બહેર મારી ગઈ છે અને અમારી હરેકને આજ્ઞા છે કે કોઈએ એની સાથે કશો સંબંધ રાખવો નહીં, જે કોઈ તેને કોઈ પણ રીતનો ટેકો આપશે અગર તેને વિદાય આપવાને જશે તેને ન્યાતબહાર ગણવામાં આવશે, અને અલ્યા તું, તું ગમે ત્યારે પાછો આવશે તોપણ તને કદી ન્યાતમાં પાછો લેવામાં આવશે નહીં.”

આ શબ્દો બધાના પર બૉમ્બગોળાની માફક અથડાયા. જે કેટલાક આંગળીને વેઢે ગણાય એટલાએ અત્યાર સુધી લીલીમાં ને સૂકીમાં મને આધાર આપ્યો હતો તે પણ મને છોડી એકલો મૂકી ગયા. એ લોકોના નાદાનીભર્યા ટોણાનો જવાબ વાળવાનું મને ઘણું મન હતું પણ મારા ભાઈએ મને વાર્યો. આમ જોકે આ આકરી કસોટીમાંથી હું હેમખેમ બહાર આવ્યો તોયે મારી દશા પહેલાંનાં કરતાંયે ભૂંડી થઈ, મારા ભાઈ સુધ્ધાં થોડા ડગી ગયા પણ તે એક ક્ષણ પૂરતા. તેમને કોઈએ પેલી ધમકી સંભારી આપી કે તમે જે પૈસાની મદદ કરશો તેથી તમને પૈસાની ખોટ તો જશે જ અને વધારામાં તમારે ન્યાતબહાર પણ થવું પડશે. એટલે તેમણે જાતે મને કંઈ ન કહ્યું પણ પોતાના કેટલાક મિત્રોને મારો નિર્ણય ફેરવવાને અથવા આ વાવાઝોડું બેસી જાય ત્યાં સુધી તેનો અમલ મોકૂફ રાખવાનું સમજાવવાને વિનંતી કરી. મારી પાસેથી તો એક જ જવાબ મળવાનો હતો અને તે મળ્યો પછી તે જરાયે ડગ્યા નથી, અને હકીકતમાં તો તેમને ન્યાતબહાર પણ મૂકવામાં આવ્યા નથી, પણ વાતનો છેડો હજી