પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
પોતે ઇગ્લાંડ શા સારુ ગયા

આવ્યો નહોતો, ન્યાતીલાઓની ખટપટો ચાલ્યા જ કરતી હતી. આ વખતે તો તેઓ લગભગ ફાવ્યા પણ ખરા કેમ કે મારું નીકળવાનું એક પખવાડિયા પૂરતું મોકૂફ રખાવી શકયા. તેમણે તેમનો હેતુ આ રીતે અમલમાં મૂકેલો. અમે આગબોટ ચલાવનારી એક કંપનીના કેપ્ટનને મળવા ગયા અને તેની પાસે તે લોકોએ મને કહેવડાવ્યું કે દરિયો તોફાની હોવાથી ઑગસ્ટ માસની એ મોસમ દરમિયાન નીકળવામાં ડહાપણ નથી. મારા ભાઈ બધી વાતે કબૂલ થાય પણ આવા જોખમની વાતમાં શેના કબૂલ થાય? કમનસીબે મારી પણ આ પહેલી જ મુસાફરી હતી અને દરિયો મને માફક આવશે કે નહીં તે કોઈ કહી શકે એમ નહોતું એટલે હું પણ લાચાર થયો. મારી મરજીની તદ્દન વિરુદ્ધ મારે મારું ઊપડવાનું મુલતવી રાખવું પડયું. મને થયું કે આ તો બધી જ વાત ભાંગી પડી, મારા ભાઈ એક મિત્રને વખત આવે ત્યારે મુસાફરીના ભાડાના પૈસા મને આપવાની વિનંતીની ચિઠ્ઠી લખીને વિદાય થયા. છેવટની વિદાયનું દૃશ્ય ઉપર વર્ણન કર્યું છે તેના જેવું જ હતું. હવે મુસાફરીના ભાડાના પૈસા હાથમાં આવ્યા નહોતા ને મુંબઈમાં હું એકલો રહી ગયો, જે એક એક દિવસ મારે કાઢવો પડયો તે મને વરસ વરસ જેટલો લાંબો લાગવા માંડયો. દરમિયાન મારા સાંભળવામાં આવ્યું કે બીજા એક હિંદી ગૃહસ્થ[૧] ઇંગ્લંડ જવાને નીકળવાની તૈયારીમાં છે, આ સમાચાર જાણે ઈશ્વરે અણધારેલું વરદાન મોકલ્યું ન હોય ! ચોવીસ કલાકમાં મારે બધી તૈયારી કરવાની હતી; કંઈ સૂઝે નહીં એટલો હું બેબાકળો બન્યો. પૈસા વગર જાણે હું પાંખ વગરના પંખી જેવો હતો. એક મિત્ર જેમનો હું કાયમનો ઋણી છું તે મારી વહારે આવ્યા અને મુસાફરીના ભાડાના પૈસા તેમણે મને ધીર્યા. મેં મારી ટિકિટ ખરીદ કરી, મારા ભાઈને તાર કરી દીધો અને હું ૧૮૮૮ની સાલના સપ્ટેમ્બર માસની ૪થી તારીખે ઇંગ્લંડ આવવાને વહાણમાં બેસી ગયો. મારી મુખ્ય મુશ્કેલીઓ આવી હતી અને પાંચ મહિના પહેાંચી. ભયંકર ચિંતા અને સંતાપમાં એ ગાળો ગયો. ઘડીમાં આશા અને ઘડીમાં નિરાશા વચ્ચે ઝોલાં ખાતાં ખાતાં પણ હમેશ મારાથી થાય તેવી બધી કોશિશ કરતાં કરતાં અને પછી મારા મનમાં સેવેલા લક્ષ્યને ઈશ્વર પહેાંચાડયા વગર રહેવાનો નથી એવો ભરોસો રાખી મેં એ બધા દિવસો ખેંચી કાઢયા હતા.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૧૩-૬-૧૮૯૧

તમે ઇંગ્લંડ આવી પહોંચ્યા એટલે અલબત્ત, તમારી સામે માંસાહારનો સવાલ આવીને ઊભો રહ્યો; તેનો નિકાલ તમે કેવી રીતે કર્યો?

મને પાર વગરની વણમાગી ફોકટની સલાહ મળી હતી. સદ્દભાવવાળા પણ અજ્ઞાન મિત્રોએ પોતાના અભિપ્રાયો સાંભળવાનું મન ન છતાં મને પરાણે સંભળાવવા માંડયા હતા. તેમાંના મોટા ભાગનાએ મને કહેલું કે ઠંડી આબોહવામાં તને માંસ વગર નહીં ચાલે, તને ક્ષય થશે. ફલાણા ભાઈ ઇંગ્લંડ ગયેલા અને પોતાની મૂર્ખાઈભરી મમતને લીધે-ક્ષયની બીમારીમાં સ૫ડાયેલા બીજા કેટલાકે વળી સલાહ આપેલી કે માંસ ખાધા વગર તને ચાલશે પણ દારૂ પીધા વગર નું હાલીચાલી પણ નહીં શકે. ટાઢનો માર્યો ઠરી જશે. એક જણે તો ઍડન


  1. ૧. મજમુદા૨; જુઓ પાછળ પા. ૯,