પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
ગાંધીજીનો અક્ષરદેહ


પચાવવાની એટલી સહેલી કે બપોરના ચાર વાગ્યે અમારે 'સ્કૂર્તિદાયક' ચાનો પ્યાલો ને બિસ્કિટ જોઈએ જ. એ ખરું પણ 'એ નાનકડા' ચાના પ્યાલાની બધી અસર સાંજના વાયરા એવી દૂર કરી દેતા કે સાડા છ વાગ્યે અમને 'ભારી ચા' આપવામાં આવતી. તેમાં ડબલ રોટી ને માખણ, જૅમ અથવા મારમેલેડ અથવા એ બન્ને મુરબ્બા, દૂધ કે એવી કોઈક ચીજમાં ભેળેલી લીલી તરકારીની કચુંબર, ચૉપ, ચા, કોફી અને એવું બીજું હોય. દરિયાની હવા તંદુરસ્તીને એટલી બધી માફક આવતી લાગતી કે ઉતારુઓ થોડાં, બહુ થોડાં, માત્ર આઠ કે દસ ને બહુ તો પંદર બિસ્કિટ, થોડું પનીર, અને થોડો વાઈન અથવા બીર લીધા વગર પથારીમાં સૂવાને જઈ શકતા જ નહીં. ઉપરની બધી વાત જાણ્યા પછી નીચેનું વર્ણન ખરેખર સાચું છે એમ નથી લાગતું?

તારું પેટ તારો ઈશ્વર છે, તારી હોજરી તારું મંદિર છે, તારી દુંદ તારી વેદી

છે અને તારો રસોઇયો તારો પૂજારી છે. . . . રસોઈનાં વાસણોમાં તારો પ્રેમ ભડકાની જેમ જાગી ઊઠે છે. રસોડામાં તારી શ્રદ્ધા ઝળહળી ઊઠે છે, અને માંસની વાનગીઓમાં તારી બધી આશા છુપાયેલી પડી છે . . . . વારંવાર ભોજન આપનાર, સારી સારી જાફતો અાપનાર, અને દારૂની પ્યાલી લઈ તંદુરસ્તી ઇચ્છવાને ભાષણો કરવામાં પાવરધા ગૃહસ્થના કરતાં તને કોઈનેયે માટે આદર છે ખરો કે?

બીજા નંબરનું સલૂન બધી જાતના ઉતારુઓથી ખાસું ભરેલું હતું. તેમાં લશ્કરના સિપાઈ, પાદરીઓ, હજામ, ખારવા, વિદ્યાર્થી, અમલદારો અને સંભવ છે કે સાહસ ખેડનારા હતા. ત્રણ કે ચાર સ્ત્રીઓ હતી. અમારો વખત અમે મોટે ભાગે ખાવાપીવામાં ગાળતા. બાકીનો વખત કાં તો ઊંધી કાઢવામાં, અથવા ગપ્પાં મારવામાં અને કોઈક વાર ચર્ચાઓમાં અને રમત- ગમત વગેરેમાં નીકળી જતો. બે કે ત્રણ દિવસ પછી જોકે ચર્ચાઓ, અને ગંજીફાની રમતો અને લોકોની વાતો એ બધું કરવા છતાં વખત કેમે કર્યો જાય નહીં.

અમારામાંથી થોડાકને ઉત્સાહ થઈ આવતાં તેમણે જલસા ગોઠવ્યા, દોરડું ખેંચવાની હરીફાઈ ઊભી કરી, અને ઇનામો કાઢી દોડવાની શરતો કાઢી. એક સાંજ આખી જલસા અને ભાષણોમાં ગઈ.

મને લાગ્યું કે હવે મારે માથું મારવાનો વખત આવ્યો છે. આ બધી વાતોની વ્યવસ્થા સંભાળનાર કમિટીના મંત્રીને મેં વિનંતી કરી કે શાકાહારના સિદ્ધાંત પર ટૂંકું ભાષણ કરવાને મને પા કલાક કાઢી આપો. મંત્રીએ ડોકું હલાવી મારી વિનંતીને મંજૂર રાખવાની મહેરબાની બતાવી.

એટલે પછી હું ભારે મોટી તૈયારી કરવામાં પડયો. મારે જે ભાષણ આપવાનું હતું તે પહેલું મેં મનમાં વિચારી કાઢયું, પછી લખી કાઢયું. અને ફરી એક વાર સુધારીને લખી કાઢયું. હું બરાબર જાણતો હતો કે મારે વિરોધી વલણવાળા શ્રોતાવર્ગની સાથે કામ લેવાનું છે; અને મારા ભાષણથી તે લોકો ઊંઘી ન જાય તેની મારે સંભાળ રાખવાની હતી. મંત્રીએ મને કહ્યું કે જરા હ્યુમરસ [વિનોદી] થજો. મેં તેને કહ્યું કે મારાથી હ્યુમરસ તો નહીં થવાય, કદાચ નરવસ થવાશે [સભાક્ષોભથી હું કદાચ ગભરાઈ જાઉં ખરો].

હવે, ધારો જોઉં એ ભાષણનું શું થયું હશે? બીજો જલસો થયો જ નહીં. અને તેથી ભાષણ પણ રહી ગયું જેથી મને બહુ હીણું લાગ્યું. આનું કારણ મને લાગે છે એવું થયું કે