પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
ગાંધીજીનો અક્ષરદેહ

તે પછી અમે જે જગ્યાએ પહોંચ્યા તે માલ્ટા, એ કોલસો ભરી લેવાનું મથક હોવાથી ત્યાં સ્ટીમર લગભગ નવ કલાક રોકાય છે. લગભગ બધા ઉતારુ કાંઠે ઊતરી પડયા.

માલ્ટા રળિયામણો બેટ છે અને ત્યાં લંડનનો ધુમાડો નથી, ત્યાંનાં મકાનોની રચના જુદી જાતની છે. અમે ગવર્નરનો મહેલ જોઈ વળ્યા. ત્યાંનું શસ્ત્રાગાર જોવા લાયક સ્થળ છે. અહીં નેપોલિયનની ધોડાગાડી પણ બતાવવામાં આવે છે. ત્યાં કેટલાંક સુંદર ચિત્રો પણ જોવાનાં મળે છે. બજાર ત્યાંનું ખોટું નથી. ફળ સસ્તાં છે. અને ત્યાંનું દેવળ આલીશાન છે.

અમે ધોડાગાડીમાં નારંગીના બગીચાઓ સુધી છએક માઈલનો મજાનો ફેરો મારી આવ્યા. એ બગીચાઓમાં તમને હજારો નારંગીનાં ઝાડ અને સોનેરી માછલીવાળાં નાનાં તળાવડાં જોવાનાં મળે છે. આ ફેરો બહુ સસ્તો છે; માત્ર એક શિલિંગ ને છ પેન્સ.

ભિખારીઓને લીધે માલ્ટા કેવી ભૂંડી જગ્યા બની ગઈ છે! રસ્તા પર નીકળો કે મેલાધેલા દેખાતા ભિખારીઓનું ટોળું તમને રંજાડવાને આવ્યું જ જાણો અને તમે નિરાંતે આગળ જઈ શકો જ નહીં. તેમાંના કેટલાક તમને કહેશે કે અમે તમારા ભોમિયા થઈએ તો બીજા વળી કહેશે કે અમે તમને સિગાર મળે એવી અને માલ્ટાની જાણીતી મીઠાઈ નૌગૅટ મળે એવી દુકાનોએ લઈ જઈએ.

માલ્ટાથી નીકળેલા અમે બ્રિન્ડિસી પહોંચ્યા. તે બંદર સારું છે પણ તેથી વિશેષ ત્યાં કંઈ નથી. ત્યાં મનોરંજનમાં એક દહાડો પણ તમે ન કાઢી શકો. અમારી પાસે ખાસા નવ કે તેથીયે વધારે કલાક ફાજલ હતા પણ એક કલાકનો સુધ્ધાં ઉપયોગ ન થઈ શકયો.

બ્રિન્ડિસી મૂકયા બાદ અમે પોર્ટ સૈયદ પહોંચ્યા. ત્યાં અમે યુરોપ અને ભૂમધ્ય સમુદ્રની છેવટની વિદાય લીધી. અલબત્ત, સમાજના ઉતાર જેવા માણસોને જોવાનો તમને શોખ હોય તો વાત જુદી છે બાકી પોર્ટ સૈયદમાં જોવા જેવું કંઈ નથી. ત્યાં ઠગ ને બદમાસોનો[૧] પાર નથી.

પોર્ટ સૈયદથી આગળ સ્ટીમર બહુ આસ્તે આસ્તે આગળ વધે છે કેમ કે ત્યાંથી આપણે મેાં. દ લેસેપ્સની સુએઝની નહેરમાં દાખલ થઈએ છીએ. નહેર સત્યાસી માઈલ લાંબી છે. પણ એટલું અંતર વટાવતાં આગબોટને ચોવીસ કલાક થયા. અહીં આપણે બંને બાજુ કિનારાની જમીનની ખૂબ નજીક હોઈએ છીએ. પાણીની નાળ એટલી સાંકડી છે કે કેટલીક ચોક્કસ જગ્યા બાદ કરતાં બે સ્ટીમરો પણ જોડાજોડ ચાલી શકતી નથી. રાતે દેખાવ બહુ રળિયામણો હોય છે. બધાં વહાણને મોખરે વીજળીની બત્તી કરવાનું ફરમાન હોય છે અને તે બહુ જોરાવર હોય છે. બે વહાણો એકબીજાની પાસેથી પસાર થાય ત્યારે દેખાવ બહુ મજાનો થાય છે. સામેના વહાણમાંથી દેખાતી વીજળીની બત્તી અાંખને અાંજી નાખે છે.

અમે गेन्जिस પાસે થઈ પસાર થયા. અમે તેને આવકારવાને ત્રણ હર્ષના પોકાર કર્યા અને गेन्जिस પરના ઉતારુઓએ પૂરા ઉત્સાહથી તેનો સામો જવાબ વાળ્યો. સુએઝ કસબો નહેરને બીજે છેડે છે, ત્યાં સ્ટીમર માંડ અર્ધો કલાક રોકાય છે.

હવે અમે રાતા સમુદ્રમાં પેઠા, એ ત્રણ દહાડાની સફર હતી પણ ભારે તાવણી કરનારી હતી. સહન ન થાય તેવી ગરમી પડતી હતી, સ્ટીમરની અંદરના ભાગમાં રહેવાનો તો સવાલ જ નહોતો પણ તૂતક પર સુંધ્ધાં ગરમી અતિશય હતી. અહીં પહેલી વાર અમને ખ્યાલ આવ્યો કે અમે હિંદ જઈએ છીએ ત્યાં પણ અમારે ગરમ આબોહવામાં રહેવાનું છે.


  1. ૧. આ ઉલ્લેખ દેખીતી રીતે ત્યાંના રહેવાસીએાના એક ભાગ પૂરતો છે.