પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
હિંદ ભણી વતનને રસ્તે

એડન પહોંચ્યા ત્યારે કંઈક પવન નીકળ્યો. અહીં અમારે (મુંબઈના ઉતારુઓએ) ओशियानाમાંથી ઊતરી आसामમાં ચડવાનું હતું. જાણે લંડન છોડી કોઈ કંગાલ ગામડામાં જઈ પડયા ! आसाम ओशियाना કરતાં અર્ધુયે નથી.

આફત એકલદોકલ આવતી નથી; ઝાઝી એકઠી મળીને આવે છે. आसाम પર ચડયા તેની સાથે દરિયો તોફાને ચડયો કેમ કે વરસાદની મોસમ હતી. હિંદી મહાસાગર સામાન્યપણે શાંત રહે છે તેથી કેમ જાણે તેનું સાટું વાળવાને ચોમાસામાં તોફાને ચડે છે. મુંબઈ પહોંચતાં પહેલાં અમારે બીજા પાંચ દહાડા પાણી પર કાઢવાના હતા. બીજી રાત ખરેખરું તોફાન લઈને આવી. કેટલાયે માંદા પડી ગયા. હું તૂતક પર નીકળું, એટલે પાણીની છોળથી તરબોળ થઈ જાઉં. એ પેલો કંઈક કડાકો થયો ! કંઈક તૂટી પડયું લાગે છે! કેબિનમાં તમને નિરાંતે ઊંઘવાનું ન મળે. બારણાં અફળાતાં હોય. તમારા સામાનની પેટીઓ નાચતી હોય. તમે પથારીમાં ડાલમ- ડોલમ થયા કરો. કેટલીક વાર તમને લાગે કે વહાણ ડૂબે છે જમવાના ટેબલ પર પણ એવું જ. ત્યાંયે ચેન નહીં. સ્ટીમર ડોલમડોલ કરતી તમારી બાજુ ઢળે. તમારા કાંટા ચમચા ટેબલ પરથી ઊછળી તમારા ખોળામાં આવી પડે, મસાલાની શીશીઓ અને દાળની પ્લેટ સુધ્ધાં; તમારો નેપકિન પીળો રંગાઈ જાય અને એવું તો બીજું કેટલુંયે બને.

એક દિવસ સવારે મેં વહાણના સ્ટુઅર્ડ એટલે કે વ્યવસ્થાપકને પૂછયું કે આને તમે ખરું તોફાન કહો ખરા કે? તેણે કહ્યું, "ના સાહેબ, આ તો કંઈ જ નથી." પછી પોતાના હાથ વીંઝી તેણે મને ખરા તોફાનમાં વહાણ કેવું ડાલમડોલમ થાય તે બતાવ્યું.

આમ ઊંચેનીચે અફળાતા, પડતા, આખડતા અમે જુલાઈ માસની પંદરમી તારીખે મુંબઈ પહોંચ્યા. વરસાદ ધોધમાર પડતો હતો તેથી કિનારે ઊતરવાનું મુશ્કેલ હતું. છતાં અમે હેમખેમ કિનારે પહોંચ્યા અને आसामની વિદાય લીધી.

ओशियाना અને आसाम પર માણસોરૂપી કેવો તરેહવાર માલ ભર્યો હતો ! કેટલાક મોટી મોટી આશા બાંધી ઓસ્ટ્રેલિયા મોટી દોલત કમાવા જતા હતા, બીજા વળી ઇંગ્લંડમાં પોતાનું ભણતર પૂરું કરી સારી આબરૂદાર રોજી કમાવાને હિંદુસ્તાન પાછા ફરતા હતા, કેટલાક ફરજના માર્યા બહાર નીકળી પડયા હતા, તો કેટલાંક વળી કાં તો હિંદુસ્તાનમાં કે કાં તો ઓસ્ટ્રેલિયામાં પોતાના પતિઓને મળવા જતાં હતાં અને કેટલાક સાહસિકો વતનમાં નાસીપાસ થવાથી ઈશ્વર જાણે કયાં પણ બીજે કયાંક પોતાનાં પરાક્રમ અજમાવવાને નીકળી પડયા હતા !

એ બધાની આશા ફળી હશે કે? એ જ ખરો સવાલ છે. માણસનું મન કેવું આશાળુ હોય છે અને કેવું વારંવાર નિરાશા અનુભવે છે! આપણે આશામાં ને આશામાં જ જીવતા નથી કે?

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૧૬–૪–૧૮૯૨