પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯. હિંદીઓના મત
પ્રિટોરિયા,


સપ્ટેમ્બર ૨૯, ૧૮૯૩


શ્રી તંત્રી
धि नाताल ऍडवर्टाइसर

સાહેબ,

નીચેનું લખાણ તમારા અખબારમાં લેવાની મહેરબાની કરવા વિનંતી છે.

ચાલુ માસની ૧૯મી તારીખના તમારા પત્રના અંકમાં નવા સ્થપાનારા એશિયાઈ વિરોધી સંઘ [ઍન્ટિએશિયાટિક લીગ]ના તમે આંકેલા કાર્યક્રમનો ઝીણામાં ઝીણી વિગતે જવાબ આપવાનું કામ ભગીરથ હોઈ એક અખબાર પરના પત્રની મર્યાદામાં સમાવવાનું માથે લેવા જેવું નથી. તેમ છતાં તમારી રજાથી તેમાંની બે જ બાબતોની ચર્ચા કરું : એક, “કુલીઓના મતોમાં યુરોપિયનોના મતો ઘસડાઈ જવાના” ડર વિષે અને બીજી, હિંદીઓની મત આપવાને લગતી માની લેવામાં આવેલી બિનલાયકાત વિષે.

શરૂઆતમાં હું તમારી ભલી લાગણી અને બ્રિટિશ રાષ્ટ્રના ચારિત્ર્યનું લક્ષણ મનાતી ન્યાયપ્રિયતાને અપીલ કરું છું. તમે અગર તમારા વાચકો એ સવાલની એક જ બાજુ તરફ જોવાનો નિશ્ચય કરી બેઠા હશો તો ગમે તેટલી હકીકતો અગર દલીલો મારા વિવેચનના વાજબીપણાની પ્રતીતિ તમને અગર તેમને નહીં કરાવી શકે, આખા સવાલને સાચી દૃષ્ટિથી જોવાને શાંત ચિત્તથી નિર્ણય બાંધવાની શક્તિની અને રાગદ્વેષરહિત નિષ્પક્ષ ચકાસણીની અત્યંત આવશ્યકતા છે. હિંદીઓના મત કોઈ કાળેયે યુરોપિયનોના મતોને ઘસડી જઈ શકે એવો ખ્યાલ અત્યંત વધારે પડતો તાણીતૂશીને બાંધેલો નથી લાગતો? છેક ઉપર ઉપરથી પરિસ્થિતિ જોનાર પણ એવું કદી બને નહીં એમ જોઈ શકશે. યુરોપિયનોના મતો પર સરસાઈ મેળવવાને સમર્થ થવાને પૂરતી સંખ્યામાં હિંદીઓ મતાધિકાર મેળવવાને જરૂરી મિલકત ધરાવવાની લાયકાત સુધી કદી પહોંચી શકે એમ નથી.

એ લોકો બે વર્ગમાં વહેંચાયેલા છે – વેપારીઓ અને મજૂરો. મજૂરો ઘણી મોટી વધુમતીમાં છે અને તેમને સામાન્યપણે મત આપવાનો અધિકાર નથી. ગરીબીના માર્યા માંડ ખાવાનું મળી રહે તેટલી રોજી પર તેઓ નાતાલ આવે છે. મત આપવાના અધિકારને માટે જરૂરી મિલકત મેળવવાની તેઓ કદીયે આશા રાખી શકે ખરા કે? અને કંઈક કાયમનો વસવાટ કરીને રહેવાવાળા હોય તો એ લોકો છે વેપારી પૈકી માત્ર કેટલાકની પાસે મતાધિકાર માટે જરૂરી મિલકતની લાયકાત છે, પણ એ વર્ગના લોકો કાયમ નાતાલમાં વસવાટ કરીને રહેતા નથી, અને કાયદેસર મત આપી શકે એવામાંના ઘણા મત આપવાની ભાગ્યે જ પરવા રાખે છે. સામાન્યપણે ખુદ પોતાના મુલકમાં પણ હિંદીઓ કદી પોતાના બધા રાજકીય અધિકારોનો ઉપયોગ કરતા નથી. પોતાના આત્માનું કલ્યાણ કરવામાં તેઓ એટલા રચ્યાપચ્યા રહે છે કે રાજકારણમાં સક્રિય ભાગ લેવાનો વિચાર સરખો તેમને આવતો નથી. તેમને એવી ભારે રાજકીય મહત્ત્વાકાંક્ષા પણ હોતી નથી, એ લોકો અહીં રાજકીય ક્ષેત્રમાં કાર્ય કરવાને આવતા નથી પણ પ્રમાણિકપણે રોજી કમાવાને